દેવગઢબારીઆ તાલુકાના નાથુડી અને ચેનપુર ગામમાંથી પસાર થતી પાનમ નદી ઉપર આશરે દોઢ - બે વર્ષ અગાઉ કરોડો રૂપિયાના ખર્ચે નવીન પુલ મંજુર કરાયો હતો. જેનું તે સમયે ખાતમુહૂર્ત પણ કરાયું હતું, પરંતુ ત્યારબાદ પુલની કામગીરી શરૂ નહીં કરાતાં હાલ બંને તરફના ગ્રામજનોની સમસ્યા યથાવત રહેવા પામી છે. પાનમ નદી ઉપર સામે કાંઠા ઉપર દહીંકોટ, મેરપ તેમજ બીજા અન્ય કેટલાય ગામડા આવેલા છે, જે ગામો પંચમહાલ જિલ્લામાં સમાવિષ્ટ છે. જયારે દેવગઢબારીઆ તાલુકાના ગામડા દાહોદ જિલ્લામાં આવેલ છે. આમ પંચમહાલ અને દાહોદ જિલ્લાને જોડતો આ નવીન પુલ બનાવવા સરકાર દ્વારા મંજૂરી અપાઈ હતી. ચોમાસામાં વરસાદ હોય ત્યારે પાનમ નદીમાં પાણી આવતાં સામે ગામ જવું આવવું અઘરું બનતું હોય છે, અને વાહનવ્યવહાર સદંતર બંધ થઈ જાય છે. બંને જિલ્લાની વિકટ સમસ્યાને ધ્યાને લઇને સ્થાનિક આગેવાનો તેમજ કાર્યકરોએ ધારાસભ્ય બચુભાઈ ખાબડ અને પૂર્વ મંત્રી નિમીષાબેન સુથારને રજુઆત કરતા આખરે નવીન પુલને મંજૂરી મળતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દોઢ વર્ષ પહેલા દાહોદ સાંસદ જસવંત ભાભોર, ધારાસભ્ય બચુભાઈ ખાબડ, પૂર્વ મંત્રી નિમીષાબેન સુથાર તેમજ અગ્રણી નેતાઓની હાજરીમાં ભુમીપુજન કરાયું હતું. જે બાદ હજુ સુધી કોઈ કામગીરી શરૂ કરાઈ નથી.
