કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને કૃષિ સંશોધન કેન્દ્ર, દાહોદના સંયુક્ત ઉપક્રમે મુવાલિયા ફાર્મ ખાતે સોયાબીનની વૈજ્ઞાનિક ખેતી અંગે કેન્દ્રીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.
મુવાલિયા ફાર્મ સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, દાહોદ ખાતે CFLD under NMEO-OS અંતર્ગત આગામી ચોમાસુ ઋતુને અનુલક્ષીને સોયાબીનની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અંગે કેન્દ્રીય તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સોયાબીનના ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવાના હેતુથી ખેડૂતોને આધુનિક અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. ભિષ્મન જે. સંગાડાએ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. તેમણે આગામી ચોમાસુ ઋતુમાં સોયાબીન પાકનું મહત્વ, કૃષિ અને કૃષિ સંલગ્ન ક્ષેત્રોમાં ઉપલબ્ધ કારકિર્દીની તકો, આણંદ કૃષિ યુનિવર્સિટીમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમો તેમજ પ્રવેશ પ્રક્રિયા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સાથે જ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતોના હિતમાં હાથ ધરવામાં આવતી વિવિધ વિસ્તરણ, તાલીમ અને પ્રદર્શનલક્ષી પ્રવૃત્તિઓ અંગે પણ માર્ગદર્શન પૂરું પાડયું હતું. ત્યારબાદ કૃષિ સંશોધન કેન્દ્રના યુનિટ વડા ડૉ. હિતીક્ષા પરમારએ શ્રી અન્ન તરીકે જાણીતા હલકા ધાન્ય પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અંગે માહિતી આપી હતી. ત્યારપછી ડૉ. ગૌરાંગ એમ. વાઘેલાએ સોયાબીનની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ, ગુણવત્તાસભર બીજના ઉપયોગનું મહત્વ તેમજ નિદર્શન એકમની મુલાકાત દ્વારા ખેડૂતોને પ્રાયોગિક માર્ગદર્શન આપ્યું હતું. તદુપરાંત ડૉ. નિર્મલ ચૌહાણએ સોયાબીન પાકમાં આવતા વિવિધ રોગ અને જીવાતોના અસરકારક નિયંત્રણ માટે સંકલિત રોગ-જીવાત વ્યવસ્થાપન (IPM) અપનાવવાની ભલામણ કરી હતી. આ કાર્યક્રમમાં જાદાખેરિયા અને બાજરવાડા ગામના કુલ 50 જેટલા ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત ખેડૂતોનો સોયાબીનનું ગુણવત્તાસભર બીજ વિતરણ કરવામાં આવ્યું હતું. ખેડૂતો દ્વારા કાર્યક્રમને અત્યંત ઉપયોગી, માહિતીસભર અને માર્ગદર્શક ગણાવી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તથા કૃષિ સંશોધન કેન્દ્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.










