દાહોદ શહેર સહિત જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આવતી કાલે તા.9 ઓગષ્ટે વિશ્વ આદિવાસી દિવસની આદિવાસી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. દાહોદ શહેરમાં આદિવાસી સમાજ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક રેલીનું આયોજન કરાયું છે, જેમાં આ સાંસ્કૃતિક રેલી નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતેથી નીકળશે, રેલીમાં વિવિધ જન જાગૃતિને અનુલક્ષીને ઝાંખીઓ, ટેબલો, નૃત્ય ગાન સાથે નીકળનાર છે.

આવતીકાલે દાહોદ શહેરમાં મુખ્યત્વે બે દિશાઓમાંથી સાંસ્કૃતિક મહારેલીની શરૂઆત થશે. પ્રથમ રેલી નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતેથી શરૂ થશે જે બસ સ્ટેશન, સ્વામી વિવેકાનંદ સર્કલ, ચાર થાંભલા, ભરપોડા સર્કલ થઈ બિરસા મુંડા ચોક ખાતે પહોંચશે. તો બીજી મહારેલી શહેરના ગોધરા રોડ નાકાથી શરૂઆત થઈ ગોધરારોડ, દેસાઈવાડ, હુસેની મસ્જિદ થઈ બિરસા મુંડા સર્કલ પાસે પહોંચશે. જ્યાં બંને રેલીનું સમાગમ થશે અને મહારેલી સ્વરૂપે માણેકચોક, નગરપાલિકા, કોર્ટ રોડ, ઠક્કરબાપા સર્કલ થઈ તાલુકા પંચાયત સામે આદિજાતિ ભવન ખાતે પૂર્ણાહુતિ થશે. રેલીની શરૂઆત પૂર્વે આદિવાસી સમાજના વડવાઓ દ્વારા ખત્રી પૂજન કર્યા બાદ મહા રેલીની શરૂઆત થશે. રેલીમાં આદિવાસી સમાજના પહેરવેશ અને ઓજારોથી સજ્જ આદિવાસી સમાજના લોકો પરંપરાગત ઢોલ, ત્રાસા, વાજિંત્રો, વાંસળીની મધુર સુરાવલી રેલાવશે. તેની પાછળ યુવાનો, વડીલો મહિલાઓ, પારંપરિક પહેરવેશમાં ટીમલી નૃત્ય સાથે આ તહેવારની ધામધૂમથી ઉજવણી કરશે. સમગ્ર મહારેલી દરમિયાન વિવિધ પ્રકારના સંદેશાઓ આપતા ટેબલો મહા રેલીની શોભા વધારશે. જેમાંઆદિવાસી સમાજનું કલ્ચર સંસ્કૃતિ, તેમના ઓજારો, તેમની રહેણીકરણી, શિક્ષણ આરોગ્ય, તેમજ સિકલ સેલ ની બીમારીથી જાગૃત કરવા કલાકૃતિ દર્શાવતા ટેબલો રજૂ થશે.