દાહોદ જિલ્લાના છાંયણ ગામે આદિવાસી ખેડૂતો દ્વારા GIDC સહિત પાંચ પરિયોજનાના વિરોધમાં એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં આગામી સમયની રણનીતિ નક્કી કરવામાં આવી હતી, જેમાં 13 ઓગસ્ટ, 2026ના રોજ જાહેરસભા અને આવેદનપત્ર આપવાની જાહેરાત કરાઈ છે. મોટી સંખ્યામાં ખેડૂતો અને આગેવાનોએ ઉપસ્થિત રહી સરકાર સામે ઉગ્ર આંદોલનની રૂપરેખા ઘડી હતી.
આ આંદોલન GIDC વિસ્તારના ખેડૂતો, દિલ્હી-મુંબઈ કોરિડોર હાઇવેના અસરગ્રસ્તો, ડોમેસ્ટિક એરપોર્ટના અસરગ્રસ્તો, નવીન રેલવે લાઇન તેમજ દહેગામથી કુસલગઢ ફેર લેનના અસરગ્રસ્તો સહિત કુલ પાંચ પરિયોજનાઓના પ્રભાવિત ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યું છે. બેઠકમાં નક્કી કરાયેલ કાર્યક્રમ મુજબ, આગામી 13 ઓગસ્ટ, 2026, ગુરુવારના રોજ દાહોદ ખાતે આ તમામ અસરગ્રસ્ત ખેડૂતોની જાહેરસભા યોજાશે. ત્યારબાદ રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટરને આખરી અલ્ટીમેટમ સાથે આવેદનપત્ર પાઠવાશે. ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો 17 ઓગસ્ટ, 2026 સુધીમાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો 18 ઓગસ્ટ, 2026, સોમવારના રોજ કલેક્ટર કચેરી બહાર અચોક્કસ મુદતના ધરણાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. જો ધરણા છતાં પણ સંતોષકારક ઉકેલ નહીં આવે, તો ખેડૂત આગેવાન મુકેશભાઈ એસ. ડાંગી દ્વારા આમરણ ઉપવાસ કરવામાં આવશે. આ બેઠકની શરૂઆત પૂર્વે, પરિયોજનાઓના સર્વે વખતે વિરોધ નોંધાવવા બદલ અગાઉ જેલમાં જઈ આવેલા સાત વ્યક્તિનું સન્માન કરાયું હતું.
