દાહોદ જિલ્લાના મોટી ખરજ ગામેથી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2026ના દ્વિતીય દિવસે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હાજર રહી બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના છેવાડાના વિસ્તારના બાળકોને પણ આધુનિક અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે સરકારની પ્રાથમિકતા છે. રાહડુંગરી વર્ગ પ્રાથમિક શાળા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ બાલવાટિકામાં 67 અને અન્ય ધોરણોમાં મળી કુલ 318 ભૂલકાઓને કુમકુમ તિલક કરી, શૈક્ષણિક કીટ અને સ્કૂલ બેગ આપી અક્ષરજ્ઞાનના પવિત્ર માર્ગે પ્રસ્થાન કરાવ્યું હતું.


આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, જ્યારે હું દીકરીઓને આત્મવિશ્વાસ સાથે બોલતી જોઉં છું, ત્યારે મારા હદયને આનંદ થાય છે. તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શિક્ષણનું જે અભિયાન શરૂ કર્યું હતું, તેના પરિણામે આજે આદિવાસી પટ્ટાના બાળકો એન્જિનિયર, ડોક્ટર અને પાયલોટ બનીને દેશ-દુનિયામાં ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. વાલીઓએ પણ જાગૃત બનીને પોતાના બાળકોના શિક્ષણ પર ધ્યાન આપવું જોઈએ, તેમ હળવી ટકોર કરી તેમણે વાલીઓને મહિનામાં એકાદ વખત શાળાએ જઈ શિક્ષકોને મળવા અને બાળકોની પ્રગતિ જાણવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીનો સંવેદનશીલ અભિગમ ત્યારે જોવા મળ્યો જ્યારે તેમણે અધવચ્ચેથી શિક્ષણ છોડી દેનાર બાળકોને ધોરણ-9 માં પુનઃ પ્રવેશ કરાવ્યો અને એક વડીલ તરીકે તેમને સમજાવી પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત, રગ્બી રમતમાં નેશનલ લેવલ સુધી પહોંચનાર દાહોદની તેજસ્વી દીકરીઓને રગ્બી બોલ ભેટ આપી તેમનો જુસ્સો પણ વધાર્યો હતો. આ પ્રસંગે સાંસદ જસવંતસિંહ ભાભોરે પ્રસંગને અનુરૂપ પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: