દાહોદ જીલ્લામાં બે દિવસના ઓરેન્જ એલર્ટની આગાહી વચ્ચે ચોમાસાની જમાવટ થઈ હોય તેમ લાગી રહ્યુ છે.31 ઓગસ્ટે જીલ્લાના તમામ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો.દાહોદમાં ઠેર ઠેર પાણી ભરાતાં સ્માર્ટ સીટીની પોલ ખુલી ગઈ હતી.

દાહોદ જીલ્લામાં મેઘ મહેર થતાં ખેડૂતોએ લગભગ 100 % વાવેતર પૂર્ણ કરી દીધુ છે.થોડા દિવસો પહેલાં વરસાદના અભાવે વાવેતર પર જોખમ ઉભુ થયુ હતુ પરંતુ છેવટે વરસાદ આવી જતાં ખેતીને જીવતદાન મળ્યુ હતુ.તેવા સમયે હવામાન વિભાગે દાહોદ જિલ્લામાં તારીખ 31 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ ભારે વરસાદની આગાહી કરી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ હતુ અને તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી દીધી હતી. ત્યારે 31 ઓગસ્ટના રોજ જિલ્લામાં સરેરાશ 35.55 મિમી વરસાદ વરસ્યો હતો.જેમાં સંજેલી તાલુકામાં પોણા ત્રણ ઈંચ, દાહોદ અને લીમખેડા તાલુકામાં 2 -2 ઈંચ વરસાદ વરસ્યો હતો.દાહોદ શહેરમાં પોણો કલાક વરસેલા વરસાદમાં ગોવિંદ નગર અને સ્ટેશન રોડ તેમજ દર્પણ રોડ પર પાણી ભરાઈ જતાં સ્માર્ટ સીટીની વરસાદી પાણીની નિકાલ માટેની યોજનાની પોલ ખુલી જતાં અસરગ્રસ્તોમાં ભારે રોષ ફેલાયો હતો. આ ઉપરાંત શહેરમાં આડેધડ બનાવેલા રસ્તાઓને કારણે વરસાદી પાણીનો નિકાલ થતો ન હોવાનું પણ સામે આવ્યુ હતુ.જિલ્લામાં 1 ઓગસ્ટે પણ ઝાપટાં સ્વરૂપે વરસાદ વરસતો જ રહ્યો હતો.પરિણામે સાંજે 4 વાગ્યા સુધીમાં સરેરાશ 15.22 મિમી વરસાદ નોંધાયો હતો.જીલ્લામાં તમામ જળાશયોમાં નવા નીરની આવક થઈ છે અને ચારેકોર હરિયાળીનું સામ્રાજ્ય હોવાથી આહલાદક વાતાવરણ સર્જાયુ છે.