લીમખેડાના મા બ્રહ્માણી કુંભારી કામ કલાગીરી સખી મંડળની 11 મહિલાઓ પરંપરાગત માટીકામની કળા દ્વારા આત્મનિર્ભર બની છે. વર્ષ 2013થી કાર્યરત આ મંડળ માટલાં, કુલડી, કોડિયાં, કપ, તવા અને અન્ય અનેક માટીનાં વાસણો બનાવી પોતાની આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે. વડાપ્રધાનના આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલના મંત્રને સાકાર કરતાં દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મા બ્રહ્માણી કુંભારી કામ કલાગીરી WSHG સખી મંડળની બહેનોએ માટીકામની પરંપરાગત કળાને આજીવિકાનું એક સશક્ત માધ્યમ બનાવ્યું છે. વર્ષ 2013 થી કાર્યરત આ સખી મંડળની 11 મહિલાઓએ પોતાની મહેનત અને કલાગીરીના જોરે આર્થિક આત્મનિર્ભરતા મેળવીને સમાજ માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડયું. આ સખી મંડળની બહેનો દ્વારા માટીમાંથી અત્યંત આકર્ષક અને ગુણવત્તાયુક્ત વાસણો બનાવવામાં આવે છે. જેમાં પરંપરાગત કોડિયા, માટલા, ઘડા અને કુલડી ઉપરાંત આધુનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને માટીની પાણીની બોટલ, હાંડલી, ચરવા, કલેડા, કૂકર, કપ, તવા, કડાઈ અને ગલ્લા જેવી વિવિધ વસ્તુઓનો સમાવેશ થાય છે. સરકારના પ્રોત્સાહન અને સરસ મેળાઓમાં નિઃશુલ્ક સ્ટોલની સુવિધાથી બહેનોને પોતાનાં ઉત્પાદનોનું વેચાણ કરવાની તક મળી છે. અમદાવાદ, સુરત સહિતનાં શહેરો ઉપરાંત દિલ્હી, મુંબઈ અને ગોવા સુધી તેમનાં ઉત્પાદનો લોકપ્રિય બન્યાં છે. મંડળે વિવિધ મેળાઓમાં વેચાણ કરીને રૂા. 6 લાખથી વધુની બચત પણ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો