દેવગઢબારીઆ તાલુકા સહિત દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ ગામડાઓમાં વસતા તમામ નાતજાતના લોકો પ્રકૃતિ પૂજન અને દેવ પૂજન કરતા હોય છે. દેવગઢબારીઆ તાલુકામાં આજે દિવાળીનો દિવસ હોઈ ઘણા ગામડામાં વહેલી સવારે ગામના જેટલાં ફ્ળીયા હોય તેઓ ગામના દેવનું અને માતાજીનું પૂજન કરવા માટે નારિયેળ, કંકુ, ચોખા, ફુલહાર, સ્વચ્છ લોટામાં જળ ભરી લઈ જતાં હોય છે, તેમજ સાથે તાંબા અથવા પિતળ કે કાંસાની થાળીમાં વધામણું તૈયાર કરી લઈ જતા હોય છે. ગામના દેવ અને સાવણ માતાજીનું પૂજન કરાતું હોવાની જૂની પરંપરા છે. વર્ષોથી દેવ અને માતાજીનું પૂજન કેટલીક પેઢીઓ તો ઠીક પણ કેટલા વર્ષથી આ પૂજન વિધિ કરવામાં આવે છે, તેની કોઈને ચોક્કસ જાણકારી નથી. દેવ અને માતાજીના આ પૂજનમાં થતા ખર્ચનો ફાળો દરેક ઘરે ઘરેથી લેવામાં આવતો હોય છે. આજે દિવાળીના દિવસે દેવ અને ગામની સાવણ માતાજીનું પૂજન કરી ગામમાં સુખ સમૃદ્ધિ અને ભાઈચારો રહે તેમજ ખેતીવાડીમાં બરકત મળે તેવી પ્રાર્થના કરાતી હોય છે. આમ દેવગઢબારીઆ તાલુકામાં દિવાળીના દિવસ દેવ પૂજન અને ગામની માતાજીનું પૂજનવિધિ વર્ષોથી શ્રદ્ધાભેર કરવામાં આવે છે.
