દેવગઢબારીઆ શહેરમાંથી પસાર થતો સ્ટેટ હાઇવે જર્જરિત થતાં નવો રોડ બનાવવાના કામને મંજૂરી મળતાં આજે ધારાસભ્ય બચુભાઈ ખાબડના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. દેવગઢબારીઆ શહેરમાંથી પસાર થતો સ્ટેટ હાઇવે છેલ્લા કેટલાય સમયથી ખખડધજ બન્યો છે, આ રોડની દુર્દશા વચ્ચે વાહનચાલકો પરેશાન થતા અવારનવાર કેટલાય નાના મોટા અકસ્માત થતા શહેરીજનો તેમજ સ્થાનિક આગેવાનોએ રોડની મરામત તેમજ નવીનીકરણ માટે વારંવાર આંદોલન કરી ઉચ્ચ સ્તરે રજુઆત કરી હતી. જે રજુઆત ધારાસભ્ય બચુભાઈ ખાબડને કરાતા આખરે લાંબા સમયની સ્ટેટ હાઇવેની સમસ્યાનો અંત આવ્યો હતો. આખરે સરકાર દ્વારા આશરે રૂા.ચાર કરોડ ઉપરાંત મંજુર કર્યા હતાં. જેને પગલે આ રસ્તાનું કામ મંજૂર થતા આજે ધારાસભ્ય બચુભાઈ ખાબડના હસ્તે રોડના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. ધારાસભ્ય બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે નવીન બની રહેલા આ સ્ટેટ હાઇવે રોડ કામગીરી માં કોઈપણ જાતની કચાસ રાખવામાં આવશે નહીં. ભૂતકાળમાં આ સ્ટેટ હાઇવે માત્ર એક જ વર્ષમાં તૂટી ગયો હતો. જેથી આ વખતે જે તે એજન્સીની કામગીરી ગુણવતાયુક્ત કરવા અને તે માટે નગરજનો, પાલિકા સભ્યથી લઈ અધિકારીઓને રસ્તાની કામગીરીની દેખભાળ રાખવાની અપીલ કરી હતી. રોડનું ખાતમુહૂર્ત થતાં સ્થાનિક નગરજનો તેમજ વાહનચાલકોમાં આનંદની લાગણી છવાઈ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો