દાહોદ જિલ્લાના ગરબાડા અને ગાંગરડી સહિતનાં ગામોમાં દિવાળી પછી નવા વર્ષના દિવસે ગાય ગોહરી પર્વ ઉજવાય છે. આદિવાસી સમાજની આ પરંપરા જોવા આસપાસનાં ગામો અને દૂરના વિસ્તારોમાંથી લોકો આવે છે. પર્વ માટે ગાયોને શણગારવામાં આવે છે. તેમના શરીર પર રંગ લગાવી મોરપીંછ અને ચૂડલા પહેરાવવામાં આવે છે. ત્યાર બાદ ગાયોને ગામના મુખ્ય ચોકમાં લાવી પૂજન કરે છે. દોડાવે છે. વિધિમાં બાધા રાખનારા આદિવાસી ખેડૂતો જમીન પર સૂઈ જાય છે. દોડતી ગાયો તેમના ઉપરથી પસાર થાય છે. લોકમાન્યતા મુજબ, વર્ષ દરમિયાન ગાયને અજાણતાં નુકસાન થયું હોય તો આ દિવસે પૂજા કરીને તેની ક્ષમા માગે છે. આ પરંપરા નિભાવવાથી આવનારું વર્ષ સુખ-સમૃદ્ધિભર્યું રહે, સારો વરસાદ થાય અને સારો પાક ઊતરે તેવી માન્યતા છે. ગાય ગોહરી પર્વ આદિવાસી સમાજની પરંપરા, સંસ્કૃતિ, પશુપ્રેમ અને પ્રકૃતિ સાથે જોડાયેલું છે.
