દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરે લીમખેડા-ઝાલોદ હાઇવે પર આવેલા બ્રિટિશકાલીન રેલવે ગરનાળાની મુલાકાત લીધી હતી. પશ્ચિમ રેલવેના રતલામ ડિવિઝનના DRM સાથે તેમણે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આમુલાકાતનો મુખ્ય હેતુ વર્ષોથી સર્જાતી ટ્રાફ્કિ સમસ્યાનો કાયમી ઉકેલ શોધવાનો હતો. સાંસદે રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિનું સઘન નિરીક્ષણ કર્યું હતું.

મુલાકાત દરમિયાન બ્રિજના સાંકડામાર્ગને કારણે થતા ટ્રાફ્કિ જામ, અકસ્માતનું જોખમ અને ઈમરજન્સી સેવાઓમાં થતા વિલંબ જેવી બાબતો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. સ્થાનિક નાગરિકો દ્વારા ગરનાળું પહોળું કરવાની વર્ષો જૂની માંગણી અંગે સાંસદે રેલવે અધિકારીઓ સાથે ટેકનિકલ પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. રેલવે વિભાગ દ્વારા આ સમસ્યાના નિવારણ માટે સત્વરે જરૂરી કાર્યવાહી હાથ ધરવા અંગેના નિર્દેશો આપવામાં આવ્યા છે. આનાથી મુખ્ય માર્ગ પર વાહનવ્યવહાર વધુ સુગમ અને સુરક્ષિત બની શકશે. આ હાઇવે રાજસ્થાનને જોડતો વ્યસ્ત માર્ગ છે, જ્યાં દરરોજ હજારો વાહનોની અવરજવર રહે છે. ગરનાળું અત્યંત સાંકડું હોવાથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ સ્થળ નિરીક્ષણ વેળાએ રેલવે વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, સ્થાનિક વહીવટી તંત્રના પ્રતિનિધિઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગરનાળાના વિસ્તરણ માટે રેલવે અને અન્ય સંબંધિત વિભાગો વચ્ચે સંકલન સાધીને કામગીરી ઝડપથી આગળ વધારવા આ મુલાકાત અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે. ગરનાળું પહોળું કરવાથી લીમખેડા બજારમાં ટ્રાફ્કિનું ભારણ ઘટશે અને વાહનચાલકો તથા સ્થાનિક વેપારીઓને મોટી રાહત મળશે. લાંબા સમયથી પ્રતીક્ષિત આ સમસ્યાના ઉકેલ માટે તંત્ર દ્વારા લેવાયેલા આ સકારાત્મક પગલાંથી સ્થાનિકોમાં આશાનું નવું કિરણ જોવા મળી રહ્યું છે. આગામી દિવસોમાં ગરનાળાના વિસ્તરણની કામગીરી વેગવંતી બને તેવી અપેક્ષા છે.