દાહોદ જિલ્લાના લીમડાબરા ગામે ગઈ મોડી રાત્રે એક હૃદયદ્રાવક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવતી એક કારે રસ્તા પર ચાલી રહેલા બે કિશોર સહિત કુલ ત્રણ વ્યક્તિઓને ટક્કર મારી હતી અને કારચાલક અકસ્માત સર્જીને તાત્કાલિક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
ભયંકર હિટ એન્ડ રન
આ ગમખ્વાર અકસ્માતમાં 15 વર્ષીય કિશોર રિતેશ ભાભરોનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પોલીસે હિટ એન્ડ રનના આ બનાવ અંગે ગુનો નોંધીને ફરાર કારચાલકને ઝડપી પાડવા માટે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.













