મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે રેલ વ્યવહાર ખોરવાતા લીમખેડા રેલવે સ્ટેશન પર આજે સવારે 6 વાગ્યે પહોંચેલી જયપુર - બાંદ્રા ટ્રેનને ત્યાં જ રોકી દેવામાં આવી હતી. જેમાં મુસાફરી કરતાં મુસાફરોને કોઈ ચોક્કસ માહિતી ના મળતાં રોષે ભરાયા હતાં, તેમજ છથી સાત કલાક સુધી મુસાફરો મહિલાઓ અને બાળકો સાથે ભુખ્યા અને તરસ્યા બેસવા મજબુર બન્યા હતાં. આખરે સાંજે 6 વાગ્યાની આસપાસ ટ્રેનને રવાના કરાઈ હતી.
મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગઈકાલથી શરૂ થયેલા અતિભારે વરસાદના પગલે રેલવે વ્યવહારને અસર થઈ હતી. જેના પગલે લીમખેડા રેલવે સ્ટેશન ખાતે આજે સવારે 6 વાગ્યે પસાર થતી જયપુર - બાંદ્રા ટ્રેનને સુરક્ષાના કારણોસર રોકી દેવામાં આવી હતી. જે ટ્રેન સાંજે 6 વાગ્યા સુધી એટલેકે 12 કલાક સુધી લીમખેડા સ્ટેશને રોકી દેવાઈ હતી, આ દરમિયાન બાળકો અને મહિલાઓ સાથે 1 હજાર જેટલા મુસાફરો ભુખ્યા તરસ્યા બેસી રહેવા મજબુર બન્યા હતાં. તેમજ રેલવે વિભાગ દ્વારા પણ ટ્રેન ક્યારે આગળ જશે અથવા નહીં? તે બાબતે કોઈ ચોક્કસ માહિતી આપવામાં નહીં આવતાં મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રેલવે કર્મચારીઓ દ્વારા કોઈ પ્રતિઉત્તર તથા મુસાફરોને ભોજન કે પાણીની વ્યવસ્થા નહીં કરાતા લોકો હેરાન પરેશાન થઇ ગયા હતા. રેલવે સ્ટેશન પરના ફૂડ સ્ટોલ પર પાણી તથા નાસ્તા અને ભોજન ખૂટી પડયા હતા. ત્યારે લીમખેડાની સેવાભાવી સંસ્થા કપિરાજ સુંદરકાંડ મંડળ તથા અન્ય સેવાભાવી લોકો મુસાફરોની વ્હારે આવ્યા હતાં, તેમજ પીવાના પાણી તથા ફૂડ પેકેટની વ્યવસ્થા કરી હતી. દરમિયાન કેટલાક લોકો ખાનગી વાહનો ભાડે કરી આગળ નીકળી ગયા હતાં.
