દાહોદથી ગોધરા તરફ શાકભાજી ભરીને જઈ રહેલી એક પીકઅપ ગાડીમાં રસ્તા પર પલટી ખાઈ ગયા બાદ ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટના ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર રામપુરા છાયણઘાટી નજીક બની હતી.


શાકભાજી ભરેલી ગાડીમાં લાગી આગ 

પ્રાથમિક માહિતી અનુસાર, શાકભાજી ભરેલી પીકઅપ ગાડીના ચાલકે કોઈક કારણોસર સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના પરિણામે ગાડી રસ્તા પર પલટી ખાઈ ગઈ હતી. ગાડી પલટી ખાઈને રોડ પર ઢસડાતા અચાનક તેમાં આગ ફાટી નીકળી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.સદનસીબે, આ ગંભીર અકસ્માત અને આગની ઘટનામાં ગાડીના ચાલકનો આબાદ બચાવ થયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવીને બચાવ કામગીરી શરૂ કરી હતી.

આગની ઘટનામાં ચાલકનો આબાદ બચાવ

આગની જાણ થતાં તુરંત જ ફાયર બ્રિગેડ, પોલીસ અને હાઈવે ઓથોરિટીને કરવામાં આવી હતી. ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગના કારણે ગાડી અને તેમાં ભરેલું શાકભાજી બળીને ખાખ થઈ ગયા હતા. માર્ગની વચ્ચે આગની ઘટના બનતા હાઈવે પર એક તરફનો વાહન વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો હતો અને વાહનોને ડાયવર્ઝન આપીને ટ્રાફિકનું સંચાલન કરવામાં આવ્યું હતું. રસ્તા પર લાંબો ટ્રાફિક જામ ન થાય તે માટે પોલીસે સ્થળ પર પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને પરિસ્થિતિ સામાન્ય બનાવવાનો પ્રયાસ કર્યો હતો.


આ પણ વાંચો: મેડિકલ કોલેજમાં રેગિંગની ગંભીર ઘટના, 14 સિનિયર વિદ્યાર્થીઓ બરતરફ!


  • Follow us on: