સુપ્રિમ કોર્ટના TET ફરજિયાત પાસ કરવાના આદેશ સામે અિખલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દાહોદ જિલ્લા દ્વારા ગઈકાલે તા.18મીએ કલેક્ટર કચેરી ખાતે ધરણા કાર્યક્રમ યોજાયો હતો.
સુપ્રિમ કોર્ટ દ્વારા વર્ષ 2011 પહેલા ભરતી થયેલા પ્રાથમિક શિક્ષકો માટે ફરજિયાત TET પાસ કરવાનો ચુકાદો જાહેરકરાતાં સમગ્ર રાજ્યમાં પ્રાથમિક શિક્ષકોમાં સુપ્રિમ કોર્ટના ચુકાદા સામે અસંતોષની લાગણી જોવા મળી રહી છે. જે-તે સમયે યોગ્ય લાયકાતના ધોરણે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની નિમણૂકમેળવી હોવા છતાં, અત્યારે સુપ્રિમ કોર્ટ દ્વારા વર્ષ.2011 પહેલા પ્રાથમિક શાળાઓમાં શિક્ષક તરીકેની નિમણૂક પ્રાપ્ત કરેલ તમામ શિક્ષકો માટે TET પરીક્ષા ફરજિયાત પાસકરવાનો ચુકાદો જાહેર કરવામાં આવતા, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સમગ્ર રાજ્યમાં તા.18 મી જૂને કલેક્ટર કચેરી ખાતે શાંતિપૂર્વક ધરણા કાર્યક્રમ યોજીને કલેકટરને આવેદન આપવાનો કાર્યક્રમ જાહેર કરાયો હતો. જે અંતર્ગત દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી સામેના મેદાનમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંતના અધ્યક્ષ અનિરુધ્ધસિંહ સોલંકી તથા ગુજરાત પ્રાંતના સંગઠન મંત્રી સરદારસિંહ મછારની અધ્યક્ષતામાં ધરણા કાર્યક્રમ યોજી કલેક્ટરને આવેદન પત્ર અપાયું હતું. જિલ્લા અધ્યક્ષ દેશિંગભાઈ તડવી, મહામંત્રી જનકભાઈ પટેલ, સંગઠન મંત્રી દીપકભાઇ આમલીયારની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં સમગ્ર જિલ્લાના 11 તાલુકાના 1800 જેટલા શિક્ષક ભાઈઓ-બહેનો જોડાયા હતાં.










