ઠાસરા તાલુકાના રાણીયા ગામ નજીક આવેલી મહીસાગર નદીમાં ખાણ-ખનિજની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને રેતીની ચોરી થતી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. રાણીયા ગામ નજીક મહીસાગર નદીના પટમાંથી મોટા પાયે રેતીનું ગેરકાયદેસર ખનન થતું હોવાનો સ્થાનિક રહીશો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ અંદાજે 50થી 60 જેટલા ખનિજ માફ્યિાઓ દ્વારા કોઈપણ જાતના ડર વિના અને બેરોકટોક રીતે નદીમાંથી રેતીની ચોરી કરવામાં આવી રહી છે. સ્થાનિક રહીશોમાં ઉઠતા સવાલો મુજબ મહીસાગર નદી કુદરતી સંપત્તિનો અમૂલ્ય સ્ત્ર્રોત છે. તેમ છતાં નદીના પટમાંથી આડેધડ રેતી કાઢવામાં આવતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જો આ પ્રવૃત્તિઓ પર સમયસર નિયંત્રણ નહીં આવે તો નદીના કુદરતી પ્રવાહ, પર્યાવરણ અને આસપાસના વિસ્તારને નુકસાન થવાની ભીતિ પણ ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે રાણીયા ગામ નજીક આટલા મોટા પાયે રેતી ખનન થતું હોવાના આક્ષેપો છતાં ઠાસરા તાલુકાનું વહીવટી તંત્ર કેમ મૌન છે ખાણ-ખનિજ વિભાગ અને સંબંધિત અધિકારીઓ દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવે છે કે નહીં જો ગેરકાયદેસર ખનન થતું હોય તો જવાબદારો સામે કાર્યવાહી ક્યારે થશે આવા અનેક સવાલો સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યા છે. મહી સાગર નદીમાં છાસવારે ખનીજ ચોરી કરવામાં આવી રહી હોવા છતાં પણ ખાણ-ખનીજ વિભાગ મૂકપ્રેક્ષક બનીને તમાશો જોતું હોવાના આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે. સરકારી તિજોરીને વર્ષે દહાડે કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હોવા છતાં પણ તંત્ર કોઈ અસરકારક કામગીરી કરી શક્તું નથી. બેફામ બની ચૂકેલા 50થી 60 ખનીજ માફિયા સામે તંત્ર જાણે કે નત મસ્તક થઈ ગયું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. નદીના પટને કોતરી નાખવામાં આવ્યો છે જેના કારણે નદીનું ધનોતપનોત નીકળી ગયું છે. છાસવારે અહીંયા ડૂબવાના બનાવ પણ બની રહ્યા છે. તેમ છતાં પણ ખાણ-ખનીજની આંખે મોતિયા આવ્યા હોય તેમ કોઈ જ અસરકારક કામગીરી જોવા મળતી ન હોવાના આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. એકરન્ડિશન્ડ ઓફિસમાં બેઠા-બેઠા અધિકારીઓ માત્ર તમાશો જોતા હોવાના આક્ષેપો ઊઠી રહ્યા છે. યુદ્વના ધોરણે ખનીજ ચોરીને અટકાવવામાં નહીં આવે તો આગામી સમયમાં ગ્રામજનો આંદોલનનો માર્ગ અપનાવશે તેવી ચર્ચાઓ જોરશોરથી ઊઠી રહી છે. જોવું રહ્યું તંત્ર આળસ ખંખેરીને કામગીરી કરે છે કે પછી વોહી રફ્તારની જેમ ખનીજ ચોરી ચાલ્યા કરે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો