યાત્રાધામ ડાકોરમાં રિક્ષાચાલકોની મનમાની અને આડેધડ પાર્કિંગની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બનતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ડાકોરમાં દર્શનાર્થે આવતા ભક્તોને સુવિધા આપવાના બદલે શહેરના મુખ્ય માર્ગો પર ગમે ત્યાં રિક્ષા ઊભી રાખવામાં આવતી હોવાના કારણે વાહનચાલકો, રાહદારીઓ તેમજ બહારગામથી આવતા શ્રદ્ધાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ખાસ કરીને બોડાના સર્કલ, ગોપાલપુરા વિસ્તાર તેમજ વડા બજાર જેવા ભીડભાડવાળા વિસ્તારોમાં રિક્ષાચાલકો દ્વારા જાહેર માર્ગો પર આડેધડ રિક્ષા ઊભી રાખવામાં આવતી હોવાની ફરિયાદો સામે આવી રહી છે. જેના કારણે રસ્તા પર અવરજવર કરવામાં મુશકેલી સર્જાય છે. અનેક વખત એક જ સ્થળે રિક્ષાઓની લાંબી કતારો લાગી જતાં ટ્રાફ્કિની સમસ્યા ઊભી થાય છે. પરિણામે બહારગામથી આવતા વૈષ્ણવોને પોતાના વાહનો લઈને પસાર થવામાં તેમજ પરિવાર સાથે પગપાળા ચાલવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ડાકોર નગરપાલિકા, પોલીસ તંત્ર અને ટ્રાફ્કિ વિભાગ દ્વારા આ સમગ્ર બાબતને ગંભીરતાથી લઈ બોડાના સર્કલ, ગોપાલપુરા અને વડા બજાર સહિતના મુખ્ય વિસ્તારોમાં ટ્રાફ્કિ વ્યવસ્થાનું યોગ્ય આયોજન કરવામાં આવે તેવી લોકોની માંગ છે. રિક્ષાઓ માટે નિયત પાર્કિંગ સ્થળ નક્કી કરવામાં આવે, જાહેર માર્ગો પર આડેધડ રિક્ષા ઊભી રાખતા ચાલકો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે તેમજ ભીડવાળા વિસ્તારોમાં ટ્રાફ્કિ કર્મચારીઓની નિયમિત નિમણૂક કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે. યાત્રાધામ ડાકોરની સુંદરતા અને સુવ્યવસ્થિત ટ્રાફ્કિ વ્યવસ્થા જાળવવી એ તંત્રની જવાબદારી છે.બહારગામથી આવતા વૈષ્ણવો ડાકોરમાં સારી વ્યવસ્થા અને સુખદ દર્શનનો અનુભવ લઈને જાય તે માટે તંત્ર ક્યારે જાગશે તેવો સવાલ હાલ નગરજનોમાં ચર્ચાઈ રહ્યો છે.