યાત્રાધામ ડાકોરના શ્રીરણછોડરાયજી મંદિરમાં દિવાળીના પાવન પર્વે કર્મચારી ગણ દ્વારા પરંપરાગત ચોપડા પૂજનનો અવસર યોજાયો હતો. આ પ્રસંગે નવા વર્ષના પ્રારંભે વિઘ્નહર્તા ગણેશજી અને મા લક્ષ્મીજીની આરાધના સાથે સૌકોઈના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને પ્રગતિ આવે તે માટે પ્રાર્થના કરાઈ હતી. શ્રી રણછોડરાય મંદિરના કર્મચારીઓ દ્વારા ધાર્મિક વિધિ-વિધાન અને શાસ્ત્ર્રોક્ત પરંપરા મુજબ ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું. હિન્દુ સંસ્કૃતિમાં દિવાળીના પર્વનું વિશેષ મહત્ત્વ છે. ખાસ કરીને નવા વર્ષના પ્રારંભે ચોપડા પૂજન કરવું એ શુભ કાર્યની શરૂઆત અને આર્થિક સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. વેપારીઓની સાથે વિવિધ સંસ્થાઓ અને કાર્યાલયોમાં પણ ચોપડા પૂજનની પરંપરા વર્ષોથી જળવાઈ રહી છે.
