ડાકોર મંદિરમાં મહા અન્નકૂટ પ્રસાદી તૈયાર કરવા માટે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અંદાજે 20 જેટલા રસોઈયાઓ દ્વારા પાંચ ચૂલા પર 24 કલાક રસોડું ધમધમતું રહેશે અને વિવિધ પ્રકારની પ્રસાદી તૈયાર કરવામાં આવશે. મહા અન્નકૂટ પ્રસાદીમાં અંદાજે 11 મણ ચોખા, 35 ડબ્બા ચોખ્ખું ઘી, 35 મણ બેસન અને એક મણ ફ્રૂટ સહિતની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત ભગવાન શ્રી રણછોડરાયજીના બાલભોગ, શૃંગાર ભોગ, ગોવાળ ભોગ, રાજભોગ અને સખડી ભોગ સહિતની વિવિધ ભોગ સામગ્રીનો પણ અન્નકૂટમાં સમાવેશ કરવામાં આવશે. શ્રી રણછોડરાયજીના સાનિધ્યમાં યોજાનારા આ મહા અન્નકૂટ પ્રસંગે મોટી સંખ્યામાં ક્ષત્રિય ભાઈઓ ઉમટી પડશે અને પરંપરા મુજબ પ્રસાદી લૂંટીને ધન્યતા અનુભવશે. આ સમગ્ર આયોજન અંગે ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજર રાકેશભાઈ ત્રિવેદીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે મંદિર કમિટી તથા તેમની ટીમ દ્વારા મહા અન્નકૂટ પ્રસંગને સફ્ળ બનાવવા માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો