યાત્રાધામ ડાકોરમાં આજે કાર્તિકી પૂર્ણિમાને લઈ ભક્તોના સ્વાગત માટે મંદિર કમિટી સજ્જ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વહેલી સવારે 4.30 કલાકે મંગળા આરતી કરવામાં આવશે. મંદિરના 871મા વર્ષના મંગલ પ્રવેશના પાવન અવસરને લઈને ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા ભાવિક ભક્તોના સ્વાગત અને દર્શન વ્યવસ્થાને લઈને તૈયારીઓ કરવામાં આવી છે. મંદિરના કર્મચારીઓને દર્શન વ્યવસ્થા જાળવવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. સાથે જ યાત્રિકોની સુરક્ષા અને સુવ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં વૈષ્ણવો ડાકોરધામમાં પધારતા હોવાથી દર્શન વ્યવસ્થા, ભીડનું નિયંત્રણ અને સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ભક્ત બોડાણાની અતૂટ શ્રદ્ધાથી શરૂ થયેલી ભક્તિની આ પરંપરા આજે 871મા વર્ષમાં પ્રવેશી રહી છે. હાથમાં તુલસીનો કુંડો, હૃદયમાં અખૂટ શ્રદ્ધા અને મુખ પર જય રણછોડના નાદ સાથે વૈષ્ણવો ડાકોરના ઠાકોરજીના દરબારમાં પધારી રહ્યા છે. ડાકોરની શેરીઓ અને બજારોમાં વૈષ્ણવોનો ભારે ઘસારો જોવા મળે છે. ભક્તોના મહેરામણથી ડાકોરની ગલીઓ ભક્તિમય બની જાય છે. હાથમાં તુલસીનો કુંડો લઈને આવતા ભક્તો ભક્ત બોડાણાની ભક્તિ પરંપરાને જીવંત રાખી રહ્યા છે. ભવ્ય મંદિરની ઐતિહાસિક ઓળખ ખેડા જિલ્લાનું સૌથી વિશિષ્ટ ધાર્મિક મહત્ત્વ ધરાવતું શ્રી રણછોડરાયજી મંદિર પોતાની ભવ્ય સ્થાપત્ય કલા અને ધાર્મિક પરંપરાઓ માટે જાણીતું છે. મંદિરના સુવર્ણ શિખર પર ફરકતી ધજા ડાકોર ધામની આગવી ઓળખ છે. મંદિરની રચનામાં બાર રાશિના પ્રતીક રૂપ 12 પગથિયાં અને શ્રી યંત્ર આધારિત સ્થાપત્યની વિશેષતા જોવા મળે છે. મંદિરની ભવ્યતા અને તેની સાથે જોડાયેલી ધાર્મિક પરંપરાઓ આજે પણ લાખો વૈષ્ણવોની આસ્થાનું કેન્દ્ર બની રહી છે.
