ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા ગુજરાત ભાડા વિધેયક-2026ના વિરોધમાં ડાકોર સિવિલ-ક્રિમિનલ બાર એસોસિએશન દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. એસોસિએશને મુખ્યમંત્રી, કાયદા મંત્રી તેમજ ગુજરાત બાર કાઉન્સિલ સમક્ષ રજૂઆત કરી છે. ડાકોર ખાતે બાર એસોસિએશનના જણાવ્યા મુજબ, વિધેયકમાં ભાડા સંબંધિત વિવાદોના નિરાકરણ માટે ભાડા સત્તા અધિકારી અને ભાડા અપીલ અધિકારી જેવી વ્યવસ્થા કરવામાં આવી છે આ જોગવાઈઓથી સામાન્ય નાગરિકો, મકાન માલિકો તેમજ ભાડૂતોના હક્કો અને હિતોને અસર થવાની શક્યતા હોવાનું બાર એસોસિએશનનું માનવું છે. બાર એસોસિએશને જણાવ્યું છે કે ભાડા સંબંધિત વિવાદોનું નિરાકરણ ન્યાયિક વ્યવસ્થા મારફ્તે થવું જોઈએ અને તેના બદલે અલગ સત્તાધિકારીઓને સત્તા આપવાથી ન્યાય મેળવવાની પ્રક્રિયા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થઈ શકે છે. આ મુદ્દે ડાકોર સિવિલ-ક્રિમિનલ બાર એસોસિએશન દ્વારા તા. 05-10-2026 થી વકીલોને કોર્ટના કામકાજથી સ્વૈચ્છિક રીતે અળગા રહેવા અને ગુજરાત ભાડા વિધેયક-2026ના સંદર્ભમાં વિરોધ પ્રદર્શિત કરવા માટે સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હોવાનું પત્રમાં જણાવાયું છે. બાર એસોસિએશનેવધુમાં જણાવ્યું છે કે જ્યાં સુધી વિધેયકની જોગવાઈઓ અંગે વકીલ પક્ષકારોના હિતમાં સંતોષકારક ઉકેલ ન આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવામાં આવશે. આ અંગે રાજ્ય સરકાર તથા સંબંધિત સત્તાધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો