યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરમાં રવિવારે દિવાળી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ દીપાવલી પર્વ નિમિતે રાજાધિરાજ ભગવાન રણછોડરાયજી નગરશેઠ સ્વરૂપ ધારણ કરીને સુવર્ણ કલમે વાર્ષિક લેખાં જોખાં લખ્યા હતા. રાત્રે 8 થી 10 વાગ્યા સુધી આ દિવ્ય દર્શનનો લાભ લેવા ભકતોનો સાગર ઊમટી પડયો હતો. સમગ્ર મંદિર દીપમાળા રોશનીથી ઝમમગી ઉઠયું હતું. ભકતોના જય રણછોડના નાદથી દિવ્ય વાતાવરણ ગુંજી ઉઠવા સાથે ભકિતમય બની ગયું હતું. ડાકોર મંદિરના હરેન્દ્રભાઇ સેવકે જણાવ્યું હતું કે, રવિવારે દિવાળી પર્વ નિમિતે મંદિરમાં સવારે 6.45 કલાકે મંગળાઆરતી કરવામાં આવી હતી.ત્યારબાદ ભગવાનને સ્નાન કરાવ્યા બાદ વિશેષ વાઘા તથા સુવર્ણ આભૂષણો ધરાવવામાં આવ્યા હતા. સવારે 10 વાગ્યા અરસામાં ભગવાન સન્મુખ ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું. આ સમયે મંદિરની ઓફિસમાં ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું.જેમાં મંદિરના મેનેજર, સેવક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મંદિરમાં રાત્રે 8 વાગે ભગવાન રણછોડરાયજી નગરશેઠ સ્વરૂપ ધારણ કર્યું હતું. ભગવાનને હિરામાણેક જડિત પાઘ સહિત સોનાના દાગીના ધરાવવામાં આવ્યા હતા અને ભગવાન સન્મુખ હાટડી ભરવામાં આવી હતી. જેમાં ફૂટ , શાકભાજી સહિત અન્ય ચીજ વસ્તુઓ સામ્રગી મૂકવામાં આવી હતી. ત્યારબાદ શ્રીજી સન્મુખ મંદિરના ચોપડા મૂકવામાં આવ્યા હતા. સામે શ્રીજીના બાળસ્વરૂપ ગોપાલલાલજી બિરાજયા હતા. ભગવાન સુવર્ણ કલમે ચોપડામાં વાર્ષિક લેખાં જોખાં લખ્યા હતા.રાત્રિના 10 વાગ્યા સુધી આ દિવ્ય દર્શનનો લાભ ભકતોએ લઇને ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ ભગવાન અનુકૂળતાએ પોઢી ગયા હતા. દિવાળી પર્વ નમિતે મંદિર પરિસરમાં આવેલ બે દીપસ્તંભ સહિત સમગ્ર મંદિરમાં સાંજે 6 વાગ્યાના અરસામાં દીપ રોશની કરવામાં આવી હતી. મંદિરમાં આખો દિવસ ભકતોનો અવિરત પ્રવાહ રહ્યા હતો . યાત્રાધામમાં મંગળા આરતી થી રાત્રે ભગવાન પોઢી ગયા સુધીમાં અંદાજે 75 હજાર ઉપરાંત ભકતોએ દર્શનનો લાભ લઇને ધન્યતા અનુભવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો