ડાકોર નગરપાલિકામાં મંગળવારે સફાઇકર્મચારીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. પાલિકા તંત્ર દ્વારા સફાઇકર્મચારીઓને છેલ્લા પાંચ માસથી પગાર નહીં ચુકવતાં અને પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં થતાં ભારે રોષ વ્યાપી ગયો છે. સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત દ્વારા ઉપરોકત બાબતે ચીફઓફિસરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. સાત દિવસમાં યોગ્ય ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી સફાઇકર્મચારીઓએ ઉચ્ચારી છે.

યાત્રાધામ ડાકોર પાલિકાનો વહીવટ ખાડે ગયો છે. પાલિકા તંત્ર દ્વારા સફાઇકર્મચારીઓને નિયમિત પગાર ચુકવવામાં આવતો નથી. તંત્ર દ્વારા છેલ્લા પાંચ માસની પગાર નહીં આપતાં અને પડતર પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવતું ન હતું. જેને લઇને કર્મચારીમાં ભારે રોષ ભભૂકી ઉઠયો હતો. મંગળવારે સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ બારૈયા અને સફાઇ કર્મચારીઓ દ્વારા નગરપાલિકામાં ભારે હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ સમાજના પ્રમુખ અને સફાઇ કર્મચારીઓના આગેવાનો દ્વારા ચીફઓફિસરને આપેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, પાલિકામાં ફરજ બજાવતાં સફાઇ કર્મચારીઓને છેલ્લા પાંચ માસથી પગાર ચુકવવામાં આવ્યો નથી તેવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો. કર્મચારીઓને પગાર નહી મળવાની આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે. તેમજ પાલિકા તંત્ર દ્વારા સફાઇ કામદારાને લઘુત્તમ વેતન ધારા મુજબ પગાર આપવામાં આવતો નથી. અને કામદારોનું શોષણ કરવામાં આવે છે. આ ઉપરાંત સફાઇ કામદારો તરીકે જેમની નિમણૂક થઇ હોય તેમની પાસે વારસદારના પરિપત્ર મુજબ સફાઇની કામગીરી ફરજિયાત કરાવવાની માગ કરવામા આવી છે. સેટએપની ખાલી પડેલી જગ્યાઓમાં વાલ્મીકી સમાજના લોકોનો જ સમાવેશ કરવામાં આવે.જે કામદારો ફરજ દરમિયાન નિવૃત થયા છે. તેમના હિસાબો અને નિવૃતિ બાદના લાભો પણ હજુ સુધી આપવામાં આવ્યા નથી. આ ઉપરાંત વિવિધ પડતર પ્રશ્નોનું સાત દિવસમાં સફાઇ કર્મચારીના હિત નિર્ણય લઇને યોગ્ય ઉકેલ કરવામાં નહીં આવતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે. નગરપાલિકા ચીફ આફિસર સંજય પટેલે જણાવ્યું હતું કે, સફાઇ કામદારોને તેમનો બાકીનો પગાર સત્વરે મળી જશે અને તેમના પડતર પ્રશ્નોનો પણ યોગ્ય નિરાકરણ કરવામા આવશે તેવી ખાતરી આપી હતી.