ડાંગ જિલ્લાના વહીવટી મથક આહવા ખાતે આવેલી સબ જેલમાંથી બે રીઢા આરોપીઓ જેલ પ્રશાસનની ઘોર બેદરકારીનો લાભ ઉઠાવીને નાસી છૂટ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોક્સો (POCSO) અને હત્યા જેવા ગંભીર ગુનાના આ બંને કેદીઓ જેલના સ્ટાફને ધક્કો મારીને ભાગી જતાં સમગ્ર ડાંગ પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ મામલે જેલના ઇન્ચાર્જ જેલરે ફરજ પરના કર્મચારીઓની ગંભીર નિષ્કાળજી બદલ આહવા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.


બહાનું કાઢીને ખોલાવ્યું બેરેકનું તાળું

ગુરૂવારની રાત્રે જેલમાં બંધ બે કેદીઓએ અચાનક પેટમાં અસહ્ય દુખાવો થવાનું નાટક કરીને બેરેક ગાર્ડ પાસે લોક ખોલાવ્યું હતું. જેવું તાળું ખૂલ્યું કે તરત જ બંને કેદીઓ બેરેક ગાર્ડ અને જેલગાર્ડને જોરદાર ધક્કો મારીને બહાર ભાગ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે, સુરક્ષાના દાવાઓ વચ્ચે જેલના મેન ગેટ (મુખ્ય દરવાજા) પર પણ તાળું મારેલું ન હતું, જેનો સીધો લાભ ઉઠાવીને બંને કેદીઓ રક્ષકોને હંફાવીને જેલની દિવાલોની બહાર નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

સીસીટીવીના આધારે પોલીસે શોધખોળ તેજ કરી

નાસી છૂટેલા કેદીઓમાં પોક્સો એક્ટના ગુનાનો આરોપી ગિરીશ બાગુલ (વર્ષ 2023થી જેલમાં) અને અન્ય એક હત્યાના કેસનો આરોપી (વર્ષ 2025થી જેલમાં) સામેલ છે. આ ઘટના બાદ આહવા પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવીને જેલની આસપાસના વિસ્તારો અને જિલ્લાની સરહદો પર નાકાબંધી કરી દીધી છે. પોલીસ દ્વારા જેલના તેમજ હાઇવેના CCTV ફૂટેજ ખંખાડીને આરોપીઓનું લોકેશન મેળવવા કવાયત હાથ ધરાઈ છે. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: