દાંતીવાડા ડેમ સંચાલિત દાંતીવાડા નહેરની કેનાલ કાંટ ગામ પાસે છલકાતા ખેડૂતોના ઉભા બટાકામાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યું છે. શનિવારે બપોરના સમયે અચાનક પાણીનો પ્રવાહ તથા નહેર છલકાઈ હતી અને જેના કારણે ખેડૂતોના બટાકાના વાવેતરમાં પાણી ફરી વળ્યું હતું. જોકે ખેડૂતોએ નહેર વિભાગના અધિકારીઓને જાણ કરી હતી પરંતુ તેમના દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવ્યું ન હતું અને ખેડૂતોને સામેથી ધમકાવવામાં આવ્યા હતા. જોકે બે કલાક સુધી આ નહેર છલકાતા ખેડૂતોના મોંઘા ભાવના વાવેતર કરેલા બટાકામાં પાણી ફરી વળતા લાખો રૂપિયાનું નુકસાન નહેર વિભાગના પાપે ભોગવવાનું આવ્યું હતું. આ બાબતે અમરત પ્રજાપતિ નામના ખેડૂતે જણાવ્યું હતું કે મારા ખેતરમાં 70 કટ્ટાના બટાકાના વાવેતરમાં પાણી ફરી વળતા અંદાજે રૂપિયા ત્રણ લાખ ઉપરનું નુકસાન મને થવા પામ્યું છે તદુપરાંત મારી આસપાસના ખેતરોમાં પણ પાણી ફરી વળતા તેમને પણ મોટું નુકસાન થયું છે આમ દાંતીવાડા નહેર વિભાગની બેદરકારીના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જોકે એક તરફ ખેડૂતો સતત નુકસાનમાં દેવાદાર બની રહ્યા છે. ત્યારે બીજી તરફ આવી બેદરકારીના કારણે ફરી ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જોકે આ બાબતે ખેડૂતોએ જણાવ્યું હતું કે અમારા ખેતરોનું સર્વે કરી અને અમને વળતર ચૂકવવામાં આવે નહીં તો અમને આટલું મોટું નુકસાન ના કારણે દેવાદાર બનવાની સ્થિતિ ઉભી થશે.
