ડીસા તાલુકાની નવી ભીલડી ગ્રામ પંચાયતમાં છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહેલી વહીવટી અને કાનૂની ખેંચતાણના કારણે ગામનો વિકાસ રૂંધાયો હોવાની ચર્ચા ઊઠી છે. સરપંચ અને ઉપસરપંચ વચ્ચે ચાર્જ તથા સત્તાને લઈને વારંવાર સર્જાતા વિવાદોથી ગ્રામ પંચાયતનો વહીવટ પણ પ્રભાવિત થયો છે. નવી ભીલડીના સરપંચ તરીકે કાંતીલાલ કપુરજી માળી ચૂંટાઈ આવ્યા હતા. જોકે, તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત અને વહીવટી કાર્યવાહી થતાં મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. અગાઉ બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ ગુજરાત પંચાયત ધારાની કલમ 57(1) હેઠળ તેમને સરપંચ પદેથી દૂર કરવાનો આદેશ કર્યો હતો. ત્યારબાદ અધિક વિકાસ કમિશનરે પણ આ નિર્ણય યથાવત રાખતાં સરપંચનો ચાર્જ ઉપસરપંચને સોંપાયો હતો. આ બંને આદેશ સામે કાંતીલાલ માળીએ ગુજરાત હાઈકોર્ટમાં આર. સ્પે. સિવિલ એપ્લિકેશન નં. 15709/2026 દાખલ કરી હતી. હાઈકોર્ટે તા. 27/10/2026ના રોજ અગાઉના આદેશો સામે સ્ટે આપ્યો હતો. જેના આધારે ડીસા તાલુકા વિકાસ અધિકારીએ તા. 04/11/2026ના રોજ કાંતીલાલ માળીને પુનઃ સરપંચનો ચાર્જ સંભાળવાનો આદેશ કર્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ પંચાયતમાં જૂથબંધી અને આંતરિક વિવાદોના કારણે વિકાસકાર્યો થઈ શક્યાં નથી. હવે આગામી સમયમાં સરપંચની નવી ચૂંટણી યોજાવાની શક્યતા વચ્ચે ગામના વિકાસને નવી દિશા મળે તેવી આશા ગ્રામજનો રાખી રહ્યા છે.
