બનાસકાંઠાના ડીસા તાલુકાના મહાદેવીયા ગામ પાસે બનાસ નદી પર ફિશ સ્કેલ વિયર ડેમના નિર્માણ ને રાજ્ય સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. બનાસ નદીના વધારાના પાણીને આ વિસ્તારમાં ખાસ ફિશ સ્કેલ સ્ટેપ્ડ વિયર બનાવીને સંગ્રહિત કરવામાં આવશે. આ પાણીના સંગ્રહથી ભૂગર્ભજળ રિચાર્જમાં મદદ મળશે અને ડીસા અને કાંકરેજ તાલુકાના કુલ 100 ગામોના લોકોને ફાયદો થશે. આ વિસ્તારમાં પહેલા વિવિધ સ્થળોએ ચેકડેમથી પાણીના સંગ્રહનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે અહીં નદીનો પટ ખૂબ પહોળો હોવાથી હવે ડેમો બનાવવાની સૌથી વધુ અનુભવ ધરાવતી સંસ્થા IITROORKEE જોડે ફિશ સ્કેલ વિયર ડેમ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. બનાસ નદીની રિચાર્જ ક્ષમતા સારી હોવાથી ભૂગર્ભજળ રિચાર્જમાં તેના સારા પરિણામો જોવા મળશે. ડીસાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી પ્રવીણ માળીના પ્રયાસોથી આ ખેડૂતલક્ષી સૌથી મોટી યોજનાને મંજુરી મળી છે.
