ડીસા : ડીસા તાલુકાના કંસારી ગામે ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે ધારાસભ્ય દ્વારા કંસારી ખાતે જનજાતીય સમુદાય માટે 75 લાખના ખર્ચે લાઇબ્રેરી બનાવવાની મંજૂરી મળી હોવાની જાહેરાત કરવામાં આવી હતી. જેને પગલે ઉપસ્થિત લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં સ્થાનિક મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા. આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય અને મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે કંસારી ગામે ભગવાન શ્રી બિસ્સા મુંડા લાઈબ્રેરી બનશે. જે 7500 ફૂટના વિશાલ વિસ્તારમાં બનાવવામાં આવશે. આકર્ષક પ્રવેશદ્વાર સાથે વાંચનખંડ યુવક યુવતીઓ માટે અલગ રહેશે. ડિજિટલ લાઈબ્રેરીમાં આધુનિક કોમ્પ્યુટર, ઇન્ટરનેટ અને ડિજિટલ અભ્યાસની સુવિધા ઉભી કરાશે. ગ્રીન કેમ્પસમાં ગાર્ડન, વૃક્ષો અને હરિયાળુ વાતાવરણ રહેશે સાથે પાર્કિંગની અલાયદી વ્યવસ્થા કરાશે. ત્રણ માળની આકાર પામનાર આ લાઈબ્રેરીમાં તમામ આધુનિક સુવિધાઓ સાથેનું કેમ્પસ હશે.
