ડીસા તાલુકાના જૂનાડીસા વાસણા અને વડાવલ ગામની હદમાં આવેલી બનાસ નદી આજકાલ બિનઅધિકૃત ખનનની ચપેટમાં છે. રાજકીય નેતાઓની ખુલ્લી ભલામણ અને આડકતરા આશ્રાયથી ખનીજ માફ્યિાઓ નદીના વિશાળ પટમાં દિવસ રાત બેફામ રીતે રેતી ઉપાડી રહ્યા છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિએ સમગ્ર વિસ્તારને પર્યાવરણીય જોખમમાં મૂકી દીધો છે.


સ્થાનિક તંત્રથી માંડીને ખનિજ વિભાગ અને પોલીસ તંત્ર સુધીની ચૂપકીદી અનેક સવાલો ઊભા કરે છે. ગ્રામજનો વારંવાર ફરિયાદો કરતા હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી થતી નથી જેથી ભારે વાહનો દ્વારા સતત રેતીનું વહન રહ્યું છે. બનાસ નદીનું ખુલ્લે આમ ચિરહરણ થતા કુદરતી પ્રવાહમાં ખલેલ પહોંચતા ભૂગર્ભ જળસ્તરને પણ ગંભીર અસર પહોંચી રહી છે.

આ સમગ્ર કાંડમાં રાજકીય દબાણને કારણે અધિકારીઓ આંખ મીંચી બેઠા હોવાનો આક્ષેપો થઈ રહ્યા છે. જો તાત્કાલિક અને કડક કાર્યવાહી નહીં થાય તો બનાસ નદી માત્ર નામની નદી બની રહેશે અને પ્રકૃતિની આ અમૂલ્ય ભેટ લૂંટાઈ જશે. ત્યારે જનતા માંગ કરી રહી છે કે ઉચ્ચ સ્તરે તપાસ કરીને જવાબદાર સામે કડક પગલાં લેવામાં આવશે ખરા ?

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: