ડીસા નગરપાલિકા વિસ્તારમાં કેટલાક ભાજપના નેતાઓ અને વગદાર બિલ્ડરો દ્વારા 200 જેટલા ગેરકાયદેસર કોમ્પ્લેક્ષ અને ફ્લેટો તેમજ સોસાયટીઓ ઊભી કરી લેતા હવે નગરપાલિકાએ કાર્યવાહી શરૂ કરી છે જેમાં પ્રથમ સાત નોટિસ ઈશ્યુ કરી છે અને કાર્યવાહીની શરૂઆત કરી છે.


વેપારી મથક ડીસામાં છેલ્લા કેટલાક સમયથી ભાજપના જ બની બેઠેલા નેતાઓ અને વગદાર બિલ્ડરો નગરપાલિકાને ખિસ્સામાં રાખી અને મન ફાવે તેમ કોમ્પ્લેક્ષો ઊભા કરી દીધેલ સાથે કેટલાક ગેરકાયદેસર ફલેટ અને સોસાયટીઓ પણ ઊભી કરી દીધેલ અને જે બાબતના અહેવાલો સંદેશ દૈનિક દ્વારા પ્રજાના હિતમાં પ્રસારિત કરવામાં આવ્યા હતા. જોકે સંદેશના અહેવાલ બાદ નગરપાલિકા દ્વારા ટાઉન પ્લાનરની ટીમે સ્થળ ચકાસણી કરી સાત જેટલા કોમ્પ્લેક્ષ અને ફ્લેટ નકશા વિરૂદ્ધ બનતા હોઈ આ કોમ્પ્લેક્ષ અને ફલેટના રજીસ્ટર ઈજનેર તરીકે સુપરવિઝન કરતા સુપરવાઈઝર તેમજ બાંધકામ માટે મંજૂરી માંગનાર અરજદારને નોટિસ ફટકારી પાંચ દિવસમાં ખુલાસો કરવાની નોટિસ આપવામાં આવે છે.

જોકે ડીસા નગરપાલિકા વિસ્તારમાં હાલમાં 200 જેટલા ગેરકાયદેસર કોમ્પ્લેક્ષ છે જેમાં 68 જેટલા ગેરકાયદેસર બાંધકામો સામે ટીપી કમિટીમાં મુદ્દાઓને લેવામાં આવ્યા છે અને અગાઉ નોટિસો આપવામાં આવી છે જોકે તેની કાર્યવાહી હજુ કરવાની બાકી છે ત્યારે હાલમાં બની રહેલ સાત જેટલા કોમ્પ્લેક્ષને નોટિસ કરવામાં આવી છે અને પાંચ દિવસમા ખુલાસા સાથે તાકીદ કરવામાં આવી છે.

જોકે આ નોટિસમાં પ્રથમ વખત રજીસ્ટર ઈજનેર તરીકે કામ કરતા સુપરવાઈઝરને નોટિસ આપવામાં આવી છે જોકે અગાઉ માત્ર બાંધકામની મંજૂરી માંગનાર અરજદારને જ નોટિસ ફટકારવામાં આવતી હતી. પરંતુ પ્રથમ વખત નગરપાલિકાએ સુપરવાઈઝરો સામે પણ નોટિસનું શાસ્ત્ર ઉગામ્યું છે.

નગરપાલિકા હવે આ નોટિસ આપી સંતોષ માને છે કે પછી હાલમાં બની રહેલા કોમ્પ્લેક્ષનું બાંધકામ બંધ કરાવી તેમનું પંચનામું કરી અને જ્યાં સુધી વધારાનું બાંધકામ દૂર ન થાય ત્યા સુધી કામગીરી સ્થિગત રાખવા સૂચના આપે છે તે જોવાનું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: