બનાસકાંઠાનું મુખ્ય આર્થિક કેન્દ્ર ગણાતું ડીસા શહેર હાલમાં ભારે આર્થિક મંદી અને બેરોજગારીના વિષચક્રમાં હોમાઈ ગયું છે. ડીસાના અર્થતંત્રના મુખ્ય આધારસ્તંભ સમાન બટાકાના વ્યાપારમાં ભયંકર મંદી અને બીજી તરફ હીરાના કારખાનાઓ એકપછી એક બંધ થઈ જતા સ્થાનિક સ્તરે રોજગારીનો ભારે અભાવ ઉભો થયો છે. હજારો રત્નકારો અને મજૂરો રોજગાર વિહોણા બનતા બેકારોની સંખ્યામાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે.
આર્થિક તંગીના કારણે પરિવારનું પેટિયું રળવું મુશ્કેલ બનતાં લોકો હવે નાસ્તા અને ઠંડા પીણાની લારીઓ તરફ વળ્યા છે. ડીસામાં છેલ્લા ત્રણ મહિનાના ટૂંક સમયગાળામાં જ 100 થી વધુ નવી નાસ્તાની લારીઓ ખુલી ગઈ છે. પરિસ્થિતિ એટલી નાજુક બની છે કે કેટલીક લારીઓ તો આખા ને આખા પરિવારો મળીને ચલાવી રહ્યા છે. જોકે લારીઓ શરૂ કર્યા પછી પણ તીવ્ર હરીફાઈ અને લોકોની ઘટતી ખરીદ શક્તિના કારણે લારી ધારકોને પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
