ડીસા શહેરમાં ગાયત્રી શક્તિપીઠ ખાતે કાર્તિકી પૂર્ણિમાના પાવન અવસરે 45મો પાટોત્સવ ભક્તિભાવ અને ઉત્સાહભેર સંપન્ન થયો હતો. તારીખ 24 નવેમ્બર 2026 મંગળવારના રોજ યોજાયેલા આ પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સાધકો, ગાયત્રી પરિજનો અને ધર્મપ્રેમી ભક્તોએ ઉપસ્થિત રહી ધર્મલાભ લીધો હતો. અખિલ વિૃ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર અંતર્ગત દેશભરમાં કાર્યરત ગાયત્રી શક્તિપીઠ માત્ર પૂજા-પાઠનાં કેન્દ્રો ન બની રહે પરંતુ સમાજમાં રચનાત્મક અને સુધારાત્મક પ્રવૃત્તિઓના કેન્દ્ર બને તેવો પૂજ્ય ગુરૂદેવ પં.રામ શર્મા આચાર્યનો ઉદ્દેશ રહ્યો છે. સાધના, શિક્ષણ, સંસ્કાર, પર્યાવરણ જાગૃતિ, વ્યસનમુક્તિ, સ્વાવલંબન, મહિલા જાગરણ અને કુરિવાજ નિવારણ જેવી પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું કાર્ય ગયાત્રી શક્તિપીઠો કરી રહી છે. ભારતભરમાં પૂજ્ય ગુરુદેવ દ્વારા સ્થાપિત પ્રથમ 24 ગાયત્રી શક્તિપીઠોમાં ડીસા ગાયત્રી શક્તિપીઠનો પણ સમાવેશ થાય છે. વર્ષ 1981માં કાર્તિકી પૂર્ણિમાના પવિત્ર દિવસે પૂજ્ય ગુરુદેવના હસ્તે આ શક્તિપીઠની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારથી અહીં અનેક ધાર્મિક, સામાજિક અને રચનાત્મક કાર્યક્રમો યોજાયા છે. કરોડો ગાયત્રી મંત્રજાપને કારણે આ શક્તિપીઠ એક જાગૃત તીર્થ તરીકે પ્રસ્થાપિત થયું છે. પાટોત્સવ નિમિત્તે સવારે પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો હતો. ત્યારબાદ શક્તિપીઠમાં બિરાજમાન મૂર્તિઓનું વિશેષ ષોડશોપચાર પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું અને અંતે મહાઆરતી યોજાઈ હતી.
