બનાસકાંઠાના ડીસા તાલુકામાં શિયાળુ વાવેતરની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ અનેક ગામોના ખેડૂતો પાણી વિના ખેતી કરવા માટે લાચાર બન્યા છે. ખેતરો તૈયાર છે, ખેડૂતો પાસે ખેતી કરવાની ઈચ્છા અને તૈયારી પણ છે, પરંતુ સિંચાઈ માટે પાણી જ નથી. બાઈવાડા, થેરવાડા, વિઠોદર, જાવલ સહિતના અનેક ગામોમાં પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે હવે ખેડૂતો માટે ખેતી તો ઠીક પશુપાલન ટકાવી રાખવું પણ મુશ્કેલ બની રહ્યું છે. આ વિસ્તારમાં કેનાલો તો બનાવવામાં આવી છે. પરંતુ સીપુ ડેમમાં પાણી ન હોવાના કારણે કેનાલો પણ સૂકીભઠ્ઠ બની છે. ત્યારે ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે સરકાર કોઈપણ ભોગે સીપુ ડેમમાં પાણી પહોંચાડે અને કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ માટે પાણી પુરૂં પાડે તેવી માંગ ઉગ્ર બની છે. ડીસા તાલુકાના આ ગામડાઓમાં અત્યારે ખેડૂતોની હાલત કફોડી બની છે. એક તરફ શિયાળુ વાવેતરની મોસમ શરૂ થઈ ગઈ છે. તો બીજી તરફ ખેતરોમાં સિંચાઈ માટે પાણીનું એક ટીપું પણ ઉપલબ્ધ નથી. બાઈવાડા, થેરવાડા, વિઠોદર, જાવલ સહિતના અનેક ગામોના ખેડૂતો પાણીના અભાવે ખેતીથી દૂર રહેવા મજબૂર બન્યા છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે અગાઉ થોડું ઘણું પાણી મળતું હતું. જેના આધારે બે-પાંચ વીઘા જમીનમાં વાવતેર કરીને ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય પણ ચલાવી શકાતો હતો. પરંતુ હવે પાણીની અછતને કારણે ખેતી કરવી તો દૂર પશુઓને નિભાવવા માટે પણ મોટો પ્રશ્રન ઊભો થયો છે. સૌથી મોટો સવાલ એ છે કે આ વિસ્તારમાં કેનાલો હોવા છતાં ખેડૂતોને પાણી કેમ નથી મળતું કારણ કે કેનાલોને પાણી પુરૂં પાડતો સીપુ ડેમ જ અત્યારે ખાલી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો