ડીસાની ફટાકડા ફેક્ટરીમાં થયેલા ગંભીર બ્લાસ્ટના કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કોર્ટે રાજ્ય સરકાર અને સંબંધિત વિભાગોની બેદરકારી અંગે આકરા સવાલો ઉઠાવ્યા હતા. હાઈકોર્ટે સત્તાવાળાઓને સીધો સવાલ કર્યો છે કે ફટાકડાની ફેક્ટરીમાં કોઈ પરવાનગી હતી કે કેમ. જો પરવાનગી વિના આ ફેક્ટરી કાર્યરત હોય, તો તે એક ગંભીર ગુનો બને છે.
તંત્રની બેદરકારી પર કોર્ટ લાલઘૂમ
આ ઉપરાંત, કોર્ટે ફાયર વિભાગની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે પૂછ્યું, 'ફાયર વિભાગે ઇન્સ્પેક્શન આટલા દિવસ સુધી કેમ ન કર્યું'? જે સ્પષ્ટપણે વિભાગીય નિષ્ક્રિયતા તરફ ઈશારો કરે છે. હાઈકોર્ટે આ સમગ્ર મામલે ફાયર સેફટી સહિતનો સંપૂર્ણ રિપોર્ટ આપવાનો આદેશ કર્યો છે. સાથે જ, આટલી મોટી બેદરકારી બદલ અત્યાર સુધીમાં શું કાર્યવાહી કરી છે, તેનો વિગતવાર જવાબ રજૂ કરવા માટે પણ ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો છે. આ આદેશો દર્શાવે છે કે કોર્ટ આ કેસમાં જવાબદારી નક્કી કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલાં લેવા તૈયાર છે.













