ડેસર તાલુકાના છાલીયેર ગામ પાસે મેસરી નદીમાં પરપ્રાંતિયો દ્વારા કરાતું ગેરકાયદે રેતી ખનન અટકાવવા જનાર સરપંચને રેતી માફિયાઓએ મારી નાખવાની ધમકી આપી હતી.


ડેસર તાલુકાના છાલીયેર પાસે મેસરી નદીમાં દિવસ રાત મોટા પાયે ગેરકાયદે રેતી ખનન થઈ રહ્યું છે. ગ્રામજનો દ્વારા તંત્ર ગણને વારંવાર લેખિત મૌખિક રજૂઆતો કરાઈ છે છતાં કોઈ પરિણામ મળતું નથી. જ્યારે આ બાબતે તમામ ગ્રામજનોએ સરપંચને રજૂઆતો કરી હતી કે, આપણા ગામની સીમમાંથી પસાર થતી મેસરી નદીમાંથી બેફામ રેતી ખનન પરપ્રાંતિયો દ્વારા થઈ રહ્યું છે. તે અટકાવવું જરૂરી છે.

છાલીયેર જૂથ ગ્રામ પંચાયતના સરપંચ ભલાભાઇ રઇજીભાઈ સોલંકી, ડેપ્યુટી સરપંચ સંજય રંગીતસિંહ પરમાર, અને સભ્ય કલ્પેશ ફ્તેસિંહ સોલંકી મેસરી નદીમાં રેતી ખનન પ્રવૃત્તિ થઈ રહી હતી. ત્યાં ગયા હતા અને જણાવ્યું હતું કે, તમો રેતી કાઢવાનું બંધ કરી દો ત્યારે પરપ્રાંતિય રેતી માફ્યિાઓ દ્વારા તમારાથી જે થાય તે કરો અમો રેતી કાઢવાનું બંધ નહીં કરીએ, તેમ રોષે ભરાઈ જણાવ્યું હતું. અને આ બાબતે વારંવાર કહેશો તો માર મારીશું, તેવું જણાવતા સરપંચ ડેપ્યુટી સરપંચ હેબતાયા હતા. રેતી માફ્યિાઓ દ્વારા મેસરી નદીમાં ગેરકાયદે પ્લાન્ટ શરૂ કર્યાં છે. લાખો રૂપિયાની ખનીજ ચોરી ઉપરાંત સરકારની રોયલ્ટી ચોરી થઈ રહી છે.

કોઈની પણ ડર રાખ્યા વગર બિન્દાસ્ત પણે ખનીજ ચોરી કોના આશીર્વાદથી ચાલી રહી છે તે એક મોટો સવાલ છે. છાલીયેર સરપંચ દ્વારા ગતરોજ ખાણ ખનીજ વિભાગ બ્લોક નંબર 15 ડોક્ટર જીવરાજ મહેતા ભવન ગાંધીનગર ખાતે અને ખાણ ખનીજ વિભાગ વડોદરા ડેસર મામલતદાર સહિતને લેખિત અરજી કરી કાયદેસરના પગલાં ભરવા રજૂઆત કરી હતી. રેતી ખનન કરતા લોકો રાજકીય વગ ધરાવતા હોય ખુલ્લેઆમ રેતી ખનન થઈ રહ્યું છે. આ વિસ્તારમાં કાયદા જેવું કંઈ છે જ નહીં તેવું હાલ જણાઈ રહ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: