ધંધૂકા । (સં.ન્યૂ.સ)
અમદાવાદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સાગરભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને મહત્વની સંકલન બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, તમામ તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ બી.આર.સી. કો-ઓર્ડિનેટર્સ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં જિલ્લાના પ્રાથમિક શિક્ષણને વધુ અસરકારક બનાવવા માટે શાળાઓની શૈક્ષણિક કામગીરી તેમજ પાયાની ભૌતિક સુવિધાઓ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. શાળાઓમાં પીવાના પાણી, શૌચાલય, વર્ગખંડોની મરામત, વીજળી અને રમત-ગમતના મેદાન સહિતની સુવિધાઓની સ્થિતિ અંગે ચર્ચા કરી ખૂટતી સુવિધાઓ ઝડપથી ઉપલબ્ધ કરાવવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
વિદ્યાર્થીઓના વાંચન, ગણન અને લેખન કૌશલ્યમાં સુધારો થાય તે માટે શૈક્ષણિક પ્રવૃત્તિઓના અસરકારક અમલીકરણ અને આગામી આયોજન અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલુકા કક્ષાએ કામગીરીનું નિયમિત મોનિટરિંગ કરી સમયસર જરૂરી પગલાં લેવા અધિકારીઓને સૂચના અપાઈ હતી.
ચેરમેન સાગરભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક શાળાના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ સાથે સારું શૈક્ષણિક વાતાવરણ અને જરૂરી પાયાની સુવિધાઓ મળે તે સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આ હેતુને સાકાર કરવા તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ સંકલન સાથે નિષ્ઠાપૂર્વક કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો