અમદાવાદ જિલ્લાના ધંધૂકા તાલુકામાં બુધવારે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા મેઘરાજાએ ગાજવીજ સાથે મેગા આગમન કર્યું હતું. સવારથી જ અસહ્ય ઉકળાટ અને ભારે બફરાના કારણે લોકો ત્રસ્ત બન્યા હતા. બપોર બાદ હવામાન પલટા સાથે આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાઈ જતા વરસાદી માહોલ સર્જાયો હતો. સૌપ્રથમ ધંધૂકા શહેરમાં ઉકળાટ બાદ ગાજવીજ સાથે ભારે વરસાદ શરૂ થયો હતો. ત્યારબાદ તાલુકાના ઝાંઝરકા, બાજરડા, ત્રાડિયા, છસીયાણા સહિતના અનેક ગામોમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને વાતાવરણમાં નોંધપાત્ર ઠંડક પ્રસરી હતી. લાંબા સમયથી ઉકળાટ અને ગરમીનો સામનો કરી રહેલા શહેર તેમજ પંથકવાસીઓને વરસાદથી મોટી રાહત મળી હતી. ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, કારણ કે વરસાદથી ખરીફ્ પાકની વાવણી અને ખેતીની કામગીરીને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. વરસાદ બાદ સમગ્ર ધંધૂકા તાલુકામાં શીતળતા પ્રસરી ગઈ હતી અને લોકોએ મેઘરાજાના આગમનને આનંદભેર આવકાર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો