ધંધૂકા વિસ્તારના પ્રાંત અધિકારીની બદલી થયા બાદ હજુ સુધી કાયમી પ્રાંત અધિકારીની નિમણૂક કરવામાં આવી નથી. જેના કારણે પ્રાંત કચેરીના અનેક મહત્વના વહીવટી કામો અટવાઈ જતાં અરજદારો અને સામાન્ય નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
પ્રાંત અધિકારીની સત્તા હેઠળ થતા વિવિધ પ્રકારના વહીવટી અને મહેસૂલી કામો, અરજીઓનો નિકાલ, પ્રમાણપત્રો, અપીલો તથા અન્ય પ્રક્રિયાઓ સમયસર પૂર્ણ થઈ શકતી નથી. પરિણામે રોજબરોજ કચેરીના ધક્કા ખાવા છતાં લોકોને સંતોષકારક ઉકેલ મળતો નથી. સ્થાનિક નાગરિકો અને અરજદારોમાં આ સ્થિતિને લઈને અસંતોષ જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી જગ્યા ખાલી રહેવાના કારણે વહીવટી કામગીરી પર સીધી અસર પડી રહી હોવાનું લોકો જણાવી રહ્યા છે. લોકોએ રાજ્ય સરકાર અને સંબંધિત ઉચ્ચ અધિકારીઓને ધંધુકા ખાતે સત્વરે કાયમી પ્રાંત અધિકારીની નિમણૂક કરી વહીવટી કામગીરીને ગતિ આપવા માંગ કરી છે, જેથી પ્રજાના અટવાયેલા કામોનો ઝડપથી નિકાલ થઈ શકે.
