ભાલ પંથકમાં મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરતાં ધંધૂકા, ધોલેરા અને બગોદરા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. સવારથી જ વાદળછાયું વાતાવરણ વચ્ચે બપોર બાદ મેઘરાજાએ અનેક વિસ્તારોમાં ધમાકેદાર બેટિંગ કરતાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક મુશળધાર વરસાદ વરસાવ્યો હતો. અમદાવાદ જિલ્લા ગ્રામ્યના ધંધૂકા અને બગોદરા પંથકમાં વરસાદે ખાસ જોર પકડતાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. બીજી તરફ્ ધોલેરા સહિતના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ નોંધાયો હતો. વરસાદને પગલે છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી હતી. ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે. વાવેતર કરેલા પાકને વરસાદથી જીવતદાન મળતાં ખેડૂતવર્ગમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદને કારણે ખેતરોમાં ફરી ભેજનુંપ્રમાણ વધ્યું છે, જે ખેતી માટે લાભદાયી માનવામાં આવે છે. હવામાનમાં આવેલા આ પલટાથી સમગ્ર ભાલ પંથકમાં ચોમાસાનો માહોલ ફરી જીવંત બન્યો છે. આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહે તેવી સંભાવનાઓ વચ્ચે લોકોની નજર હવે મેઘરાજાની આગામી ચાલ પર ટકેલી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો