અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે પોલીસ દ્વારા ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત અમદાવાદ ગ્રામ્ય એલસીબીને મોટી સફ્ળતા મળી છે. ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાગુગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના શ્યામ મેટલ કંપનીના ગોડાઉનમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
પોલીસ મહાનિરીક્ષક રાઘવેન્દ્ર વત્સ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટની સૂચના અને માર્ગદર્શન હેઠળ LCB પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન. કરમટીયાના માર્ગદર્શન હેઠળ ટીમ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પો.સ.ઈ. આર.બી. રાઠોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે ચાંગોદર GIDC, મોરૈયા ગામની સીમમાં આવેલા મહાગુગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના શેડ નં.170 સ્થિત શ્યામ મેટલ કંપનીના ગોડાઉનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગોડાઉનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની-મોટી 35,199 બોટલો, જેની કિંમત રૂ.72,50,985 હોવાનું સામે આવ્યું હતું. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત ત્રણ વાહનો અને છ મોબાઇલ ફોન પણ કબજે કર્યા હતા. પોલીસે બોલેરો નં. GJ01MT3180, બોલેરો નં. GJ06BV8258 અને ડાલુ નં. GJ01MT1663 સહિત કુલ રૂ.96,25,985નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
