અમદાવાદ જિલ્લામાં ધંધૂકા-ધોલેરા હાઈવે માર્ગ પર અલિયાસર મહાદેવ નજીક સોમવારે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, કોઈ અજાણ્યા વાહને માર્ગ પર જઈ રહેલા ભેંસોના ટોળાને હડફેટે લેતા ઘટનાસ્થળે જ 8 ભેંસોના કરુણ મોત થયા હતા.


જિલ્લા ગ્રામ્યમાં મોડી રાત્રે બનેલી આ દુર્ઘટનાની જાણ થતાં જ આસપાસના ગામોના લોકો અને પશુપાલકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. માર્ગ પર ભેંસોના મૃતદેહો પડેલા જોવા મળતાં કરુણ દૃશ્યો સર્જાયા હતા. અકસ્માત સર્જનાર વાહનચાલક ઘટના બાદ પોતાના વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતને પગલે પશુપાલકોમાં ભારે દુઃખ અને રોષની લાગણી વ્યાપી છે. પશુપાલકો દ્વારા ફરાર વાહનચાલકને તાત્કાલિક ઝડપી કડક કાર્યવાહી કરવાની તેમજ મૃત ભેંસોના માલિકોને યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન તથા તેના ચાલકની શોધખોળ શરૂ કરી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: