અમદાવાદ જિલ્લામાં કોઠ પોલીસ દ્વારા વટામણ ચોકડી નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસની આ કાર્યવાહીમાં દારૂ, મોબાઇલ ફોન અને ફોર્ચ્યુનર કાર સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. કોઠ પોલીસ સુત્રો પાસેથી વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર, ગત તા. 25મી નવેમ્બરે વટામણ ચોકડી પાસેના માર્ગ પર વાહન ચેકિંગ દરમિયાન ફોર્ચ્યુનર કાર નંબર GJ-01-KH-9911માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 768 બોટલો (સેમ્પલ બોટલ સહિત) મળી આવી હતી. આ મામલે પોલીસે ધંધુકાના પુનિતનગર વિસ્તારમાં રહેતા આશરે 30 વર્ષીય જયેશભાઈ ઉર્ફે જયલો જગદીશભાઈ બારૈયાની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો પૂરો પાડનાર અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી રૂ. 2,42,400ની કિંમતનો વિદેશી દારુનો જથ્થો, એક મોબાઈલ ફોન, ફોર્ચ્યુનર કાર કિંમત રૂ. 5 લાખની મળી કુલ રૂ. 7,47,400નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરી છે.
