અમદાવાદ જિલ્લાના ધંધૂકા શહેરના હાર્દ સમા કોલેજ રોડથી શ્યામઘાટ સ્કૂલ સુધીના માર્ગ પર પાલિકા તંત્ર દ્વારા પાણીની લાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિકો અને વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. વિકાસના કામો જરૂરી છે, પરંતુ એક તરફ્ નવો રોડ બનાવ્યા બાદ થોડા જ સમયમાં ફરી તેનું ખોદકામ કરવામાં આવતા વિકાસના આયોજન સામે સવાલો ઉઠી રહ્યા છે.
થોડા મહિનાઓ અગાઉ જ કોલેજ રોડ પર સુંદર માર્ગ બનાવવામાં આવ્યો હતો. જોકે ત્યારબાદ પાણીની લાઇન તેમજ ગટર લાઇન નાખવાની કામગીરી માટે માર્ગની એક સાઇડમાં ખોદકામ કરવામાં આવ્યું છે. પરિણામે છેલ્લા ઘણા દિવસોથી માર્ગની હાલત બિસ્માર બની છે. સતત વાહન વ્યવહાર ધરાવતા આ માર્ગ પર ખોદકામ અને ધૂળ-માટીના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે.
કોલેજ રોડ પર શાળાઓ અને કોલેજ આવેલી હોવાથી વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ રાહદારીઓની પણ સતત અવરજવર રહે છે. તહેવારોના દિવસોમાં માર્ગ પરથી ઊડતી ધૂળને કારણે આસપાસના દુકાનદારો અને ખાસ કરીને ખાણીપીણીની દુકાનોના સંચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનો સવાલ છે કે વિકાસના કામો ચોક્કસ થવા જોઈએ, પરંતુ યોગ્ય આયોજનના અભાવે જનતાને પારાવાર મુશ્કેલી ભોગવવી પડે તેવા વિકાસકાર્યોનો અર્થ શું? અગાઉ નવો રોડ બનાવ્યા બાદ ફરી ખોદકામ કરવાને બદલે પાણી-ગટર લાઇનની કામગીરી અગાઉથી આયોજનબદ્ધ રીતે પૂર્ણ કરવામાં આવી હોત તો જાહેર નાણાં અને સમય બંનેનો બચાવ થઈ શક્યો હોત. હવે કામગીરી પૂર્ણ થયા બાદ કોલેજ રોડ ફરી ક્યારે નવો બનશે તે સમય જ બતાવશે, પરંતુ હાલ માર્ગની બિસ્માર સ્થિતિને પગલે સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિકોએ પાલિકા તંત્રને સત્વરે ખોદકામ કરાયેલ માર્ગનું સમારકામ કરીમાર્ગને વાહનચાલકો અને રાહદારીઓ માટે સુગમ બનાવવાની માંગ કરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો