ધોલેરા નજીક આવેલું આંબલી સર્કલ હવે અકસ્માતનું હોટસ્પોટ બની ગયું છે. છેલ્લા માત્ર એક અઠવાડિયામાં અહીં 12 જેટલા વાહનો પલ્ટી જવાના બનાવો બનતા વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો અને વાહનચાલકોના જણાવ્યા મુજબ સર્કલનો વળાંક ખૂબ ટૂંકો અને સાંકડો હોવાથી ખાસ કરીને મોટા વાહનોને વળાંક લેવામાં ભારે મુશ્કેલી પડે છે, જેના કારણે વારંવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે.
શુક્રવારે મોડી રાત્રે ફરી એક ટેન્કર સર્કલ પાસે પલ્ટી મારી ગયું હતું, જેમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્તને 108 ધોલેરાની ટીમ દ્વારા તાત્કાલિક સારવાર માટે ધંધુકા આર.એમ.એસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સતત બની રહેલા અકસ્માતોને લઈને સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે અને સર્કલને તાત્કાલિક પહોળું અને મોટું બનાવવાની માંગ ઉઠી રહી છે. સ્થાનિક લોકો અને વાહન ચાલકો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. જો તંત્ર સમયસર ધ્યાન નહીં આપે તો આંબલી સર્કલ પર કોઈ મોટી દુર્ઘટના બને તેવી ભીતિ સ્થાનિકોમાં વ્યક્ત થઈ રહી છે.આ અંગે માર્ગ પરથી પસાર થતા ટ્રક ચાલક ધર્મવીર જાટના જણાવ્યા મુજબ આ આંબલી સર્કલ બહુ સાંકડું અને ટૂંકું છે. મોટા વાહન લઈને વળાંક લેવો બહુ મુશ્કેલ પડે છે. સર્કલ નાનું હોવાથી વાહન કંટ્રોલમાં રાખવું મુશ્કેલ બને છે અને અકસ્માત થઈ જાય છે. તંત્રએ આ સર્કલ તાત્કાલિક પહોળું અને મોટું બનાવવું જોઈએ, નહીં તો હજુ વધુ મોટા અકસ્માતો થશે.










