ધંધૂકા શહેરની આર. એમ.એસ. હોસ્પિટલના ટ્રસ્ટી, પાટીદાર સમાજના પીઢ અગ્રણી અને જાણીતા સમાજસેવક ધરમશીભાઈ મોરડિયાની ભીમનાથ ગામે થયેલી કરપીણ હત્યાના કેસમાં બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતા આરોપી કલ્પેશ મેરને આજીવન કેદની સજા ફ્ટકારી હતી. ગત 22 ઓક્ટોબર 2024ના રોજ આરોપી કલ્પેશ મેરે નોકરી બાબતે ધરમશીભાઈ મોરડિયા સાથે વાત કરી હતી. ત્યારે ધરમશીભાઈએ નોકરીની જગ્યા ખાલી થશે ત્યારે નોકરી આપીશ તેમ જણાવ્યું હતું. આ દરમિયાન આરોપી કલ્પેશ મેરે ધરમશીભાઈ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેમની હત્યા કરી હતી. ધરમશીભાઈ મોરડિયા આર.એમ.એસ. હોસ્પિટલના ટ્રસ્ટી હોવા ઉપરાંત પાટીદાર સમાજના પીઢ અગ્રણી તરીકે ઓળખાતા હતા અને અનેક સામાજિક તથા સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા. તેમની હત્યાની ઘટનાએ ધંધુકા, ભીમનાથ સહિત સમગ્ર પંથક અને સમાજમાં ભારે ચકચાર જગાવી હતી. આ હત્યા કેસની ન્યાયિક કાર્યવાહી પૂર્ણ થયા બાદ બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપી કલ્પેશ મેરને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફ્ટકારી છે.
