અખિલ ભારતીય ગ્રાહક પંચાયતે ધંધૂકાના મામલતદાર વિજયસિંહ ડાભી તથા ધારાસભ્ય કાળુભાઈ ડાભીને મૅક્સિમમ રિટેલ પ્રાઇસના નામે ગ્રાહકો સાથે થતી આર્થિક લૂંટ સામે આવેદનપત્ર સુપરત કરીને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવા માંગ કરવામાં આવી છે. ગ્રાહક પંચાયતના જણાવ્યા મુજબ હાલમાં MRP નક્કી કરવા માટે કોઈ સ્પષ્ટ અને કડક નિયંત્રણ વ્યવસ્થાન હોવાથી ઉત્પાદક કંપનીઓ ઉત્પાદન ખર્ચ કરતાં અનેકગણી વધુ કિંમતો મનસ્વી રીતે નક્કી કરી રહી છે. જેના કારણે સામાન્ય ગ્રાહકો તેમજ નાના વેપારીઓને નુકસાન સહન કરવું પડી રહ્યું છે. સંગઠને રજૂઆતમાં ઉલ્લેખ કર્યો હતો કે કેટલીક જીવનજરૂરી દવાઓનો જથ્થાબંધ ભાવ ખૂબ ઓછો હોવા છતાં તેના પર અનેકગણી MRP છાપવામાં આવે છે. સામાન્ય રીતે ગ્રાહકોને આવી વસ્તુઓ MRP મુજબ જ વેચવામાં આવતી હોવાથી તેમની પાસેથી વાસ્તવિક કિંમત કરતાં ઘણો વધુ ભાવ વસૂલવામાં આવે છે. અખિલ ભારતીય ગ્રાહક પંચાયતે કેન્દ્ર સરકારને અનિયંત્રિત નફખોરી પર નિયંત્રણ લાવવા માટે તાત્કાલિક કડક કાયદો બનાવવા તેમજ MRP નક્કી કરવા પારદર્શક નિયંત્રણ વ્યવસ્થા અમલમાં મૂકવાનીમાંગ કરી છે. આવેદનપત્ર આપતી વેળાએ ગ્રાહક પંચાયતના ધંધુકા સંયોજક કલ્પેશભાઈ લાઠીગરા તથા સહ-સંયોજક મંગળસિંહ ચૂડાસમા ઉપસ્થિત રહ્યા હતા.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: