ધંધુકા તાલુકાના જાળિયા ગામે ઝાલા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું ભવ્ય અને ભક્તિમય આયોજન કરવામાં આવ્યું છે. આ ભાગવત સપ્તાહ દરમિયાન ગામમાં ધાર્મિક માહોલ છવાયો છે અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો કથાનું રસપાન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. વ્યાસપીઠ પરથી પૂજ્ય લલિતકિશોરદાસજી મહારાજ પોતાની સુમધુર વાણી અને સંગીતમય શૈલીમાં શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે. કથા દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ, રુક્મિણી વિવાહ સહિતના વિવિધ ધાર્મિક પ્રસંગોની ભક્તિભાવ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ધાર્મિક આયોજનની સાથે ઝાલા પરિવાર દ્વારા સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓને પણ વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જેમાં રક્તદાન શિબિર, સર્વરોગ આરોગ્ય નિદાન કેમ્પ તેમજ મોટા મંદિર લીમડીની ગૌશાળાની ગાયોના નિભાવઅને લાભાર્થે સંતવાણી લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જાળિયા ગામે યોજાઈ રહેલી આ ભાગવત સપ્તાહ માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર જ નહીં, પરંતુ સમાજસેવા, માનવસેવા અને ગૌસેવાનો સુંદર સમન્વય બની રહી છે. ઝાલા પરિવારના આ સેવાભાવીપ્રયાસને ભાવિકો અને ગ્રામજનો તરફ્થી સરાહના મળી રહી છે.
