એક તરફ્ ડિજિટલ ગુજરાતના દાવા સાથે વિશ્વસ્તરે વિકાસના નવા માપદંડો સ્થાપિત કરવાની વાતો કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ્ વૈશ્વિક મહત્વાકાંક્ષી ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિન (SIR)માં આવેલું ઓતારિયા ગામ આજે પણ મોબાઇલ ફોન નેટવર્ક જેવી પાયાની સુવિધાથી વંચિત હોવાની હકીકત વિકાસના દાવાઓ સામે અનેક પ્રશ્નો ઉભા કરે છે.

ધોલેરા તાલુકાના ઓતારિયા ગામમાં આજે પણ એક પણ મોબાઈલ કંપનીનું નેટવર્ક ઉપલબ્ધ ન હોવાથી ગ્રામજનોને રોજિંદા જીવનમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ફેન કૉલ કરવા, ઇન્ટરનેટનો ઉપયોગ કરવા, સરકારી ઓનલાઈન સેવાઓનો લાભ લેવા, બેન્કિંગ વ્યવહારો કરવા તેમજ કટોકટીની પરિસ્થિતિમાં મદદ મેળવવામાં પણ લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં લઈ એડીસી બેંકના ડિરેક્ટર અનિરુદ્ધસિંહ ચુડાસમા(રાજભા)એ ટેલિકોમ વિભાગ તેમજ વિવિધ ખાનગી મોબાઇલ કંપનીઓના ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે. તેમણે ઓતારિયા ગામમાં તાત્કાલિક મોબાઇલ ટાવર સ્થાપી નેટવર્ક સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે. જેથી ગ્રામજનોને પણ ડિજિટલ યુગની મૂળભૂત સુવિધાઓનો લાભ મળી શકે.