અમદાવાદ જિલ્લામાં ધનતેરસના પવિત્ર તહેવારની રાત્રે બાવળા-અમદાવાદ માર્ગ પર આવેલી એક ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી હતી. કંપનીના ત્રીજા માળે અચાનક વિકરાળ આગ ભભૂકી ઊઠતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગને કારણે કંપનીમાં હાજર કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી અને કર્મચારીઓમાં દોડધામ જોવા મળી હતી. ઘટનાની જાણ થતાં જ સાણંદ, બાવળા અને અમદાવાદ ફાયરબ્રિગેડની કુલ પાંચ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. આગની વિકરાળતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગના કુલ 35 કર્મચારીઓએ ફાયર ફાઈટર્સની મદદથી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ત્રણેય વિસ્તારના લાશ્કરો દ્વારા દ્વારા સતત ત્રણ કલાક સુધી ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આ દરમિયાન અંદાજે એક લાખ લિટરથી વધુ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. અંતે ફાયર વિભાગની ટીમોની અથાગ મહેનત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફ્ળતા મળી હતી. જોકે, આગ પર કાબૂ મેળવ્યા બાદ કંપનીના ત્રીજા માળે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક પુરુષ કર્મચારીનો મૃતદેહ બળેલી હાલતમાં મળી આવતાં સમગ્ર ઘટનાએ કરુણ વળાંક લીધો હતો. ધનતેરસના તહેવારની રાત્રે બનેલી આ દુર્ઘટનામાં એક કર્મચારીએ જીવ ગુમાવતાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. ઘટનાને પગલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચોકલેટ બનાવતી કંપનીમાં આગ કયા કારણોસર લાગી હતી, આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ શું હતું તેમજ આ દુર્ઘટનામાં કેટલું આર્થિક નુકસાન થયું છે. તે સહિતના મુદ્દાઓને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. ધનતેરસના તહેવારની રોશની વચ્ચે લિમેક કંપનીમાં લાગેલી આગે એક પરિવારનો માળો વિખેરી નાખ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો