ધંધૂકા : દિવાળીના પર્વે ધોલેરા ગ્રામ્યની વાલીન્ડા પ્રાથમિક શાળામાં એસ.એમ.સી. કમિટી અને ગ્રામજનોએ અનોખી પહેલ કરી શાળાની સ્વચ્છતા કરી શાળાને ચમકાવી હતી.આ કાર્યને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સાગરભાઈ સોલંકીએ સેવાકીય બિરદાવી સમગ્ર જિલ્લામાં આવી પહેલ કરવા અપીલ કરી હતી. દિવાળી એટલે માત્ર પોતાના ઘરની સફાઈ અને શણગારનો તહેવાર નહીં, પરંતુ સમાજ અને આસપાસના વાતાવરણને પણ સ્વચ્છ અને સુંદર બનાવવાનો અવસર. આ જ ઉમદા વિચારને સાકાર કરતાં ધોલેરા તાલુકાની વાલીન્ડા પ્રાથમિક શાળાની એસએમસી કમિટી અને ગ્રામજનોએ અનોખી પહેલ કરી છે. દિવાળીના પાવન પર્વ નિમિત્તે ગ્રામજનોએ પોતાના ઘરની જેમ શાળાને પણ પોતાની જવાબદારી સમજી સ્વયં શ્રમદાન કરીને સમગ્ર શાળા પરિસર તેમજ વર્ગખંડોની સફાઈ કરી હતી. ગ્રામજનોની આ એકતા, સહભાગિતા અને શાળા પ્રત્યેની આત્મીયતાએ સમાજને નવી પ્રેરણા પૂરી પાડી છે. આ પ્રેરણાદાયી કામગીરીની અમદાવાદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સાગરભાઈ સોલંકીએ વિશેષ સરાહના કરી હતી. તેમણે એસ.એમસીના સભ્યો અને ગ્રામજનોને શુભેચ્છાઓ પાઠવી વાલીન્ડા ગામે સમગ્ર જિલ્લામાં પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડયું હોવાનું જણાવી આવી પહેલ જિલ્લાના અન્ય ગામોમાં પણ થાય તેવી અપીલ કરી હતી. શાળા માત્ર શિક્ષકો કે વિદ્યાર્થીઓની નથી, પરંતુ સમગ્ર ગામની સહિયારી ધરોહર છે, તેવો સુંદર સંદેશ વાલીન્ડા ગામના ગ્રામજનોએ પોતાના શ્રમદાન થકી સાકાર કર્યો છે.
